અમદાવાદ-

એશિયાની સૌથી મોટી દૂધ ઉત્પાદક ડેરી આણંદ સ્થિત અમુલ ડેરીમાં અઢી વર્ષની મુદત માટે આજે ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટેની ચુંટણી યોજાઈ હતી. જેમાં ચેરમેન પદ માટે રામસિંહ પરમારે જ ઉમેદવારી કરી હતી. જયારે વાઈસ ચેરમેન પદ પર કોંગ્રેસના રાજેન્દ્ર્સિંહ પરમાર અને ભાજપના રાજેશ પાઠકે ઉમેદવારી નોંધાવતા નાયબ કલેકટરની અધ્યક્ષતામાં કુલ ૧૮ સભ્યો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. જોકે પરિણામો નામદાર હાઇકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવશે.

હાઈકોર્ટના નિર્દેશ મુજબ આજે અમુલના ચેરમેન-વાઈસ ચેરમેનની ચૂંટણી બેલેટ પેપરથી ગુપ્ત મતદાનના આધારે કરવામાં આવી હતી. જેમાં ચૂંટાયેલા ૧૩ ઉપરાંત બે કાયદેસરના સરકારી પ્રતિનિધિ કે જેમાં એક જીલ્લા રજીસ્ટ્રાર અને બીજા ધી ગુજરાત કો. ઓ. મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના ચેરમેનનો સમાવેશ થાય છે. તેઓના મત એક તરફ રાખવામાં આવ્યા હતા. જ્યારે રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં નિમેલા ત્રણ સરકારી પ્રતિનિધીઓના મત અલગ પેટીમાં રાખવામાં આવ્યા છે. જોકે ભલે આજે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઇ હોય પણ ચુંટણી પરિણામ નામદાર હાઇકોર્ટ જાહેર કરશે.