આણંદ-

લોકલ ક્રાઈમ બ્રાન્ચે ભાદરણમાં બનેલા લૂંટના ગુનાનો ભેદ ઉકેલ્યો છે, જેમાં 7 યુવાનોને ઝડપ્યા બાદ આ સમગ્ર ઘટના પરથી પડદો ઊંચકાયો હતો. બોરસદ તાલુકાના સિસ્વા ઉમલાવ રોડ ઉપર આવેલી તમાકુની ખરી પાસે ઉમલાવ ગામે રહેતા અને ભાદરણમાં ધવલ ટ્રેડર્સ નામની અનાજ-કરિયાણાની દુકાન ધરાવતા વેપારી કાકા ભત્રીજાને માર મારી 2 લાખની મત્તાની લૂંટ કરવાના ગુનામાં આણંદ એલસીબીએ સાત લોકોની ધરપકડ કરીને 4.75 લાખનો મુદ્દા માલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી ભાદરણ પોલીસને હવાલે કર્યા છે.

મળતી માહિતી મુજબ ઉમલાવ ગામે રહેતા શંકરલાલ મહેશ્વરીની ભાદરણ ખાતે ધવલ ટ્રેડર્સ નામની અનાજ કરિયાણાની દુકાન આવેલી છે. જેમાં ગત 11મી તારીખના રોજ દુકાન બંધ કરીને રાત્રિના સુમારે બાઈક પર ઘરે પરત જતા હતા ત્યારે સિસ્વા ઉમલાવ રોડ પર એક્ટીવા પર આવી ચડેલા પાંચ જેટલા શખ્સોએ ગમે તેવી ગાળો બોલી લાકડાના ડંડા વડે મારમારીને બે લાખ રૂપિયા ભરેલી થેલીની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે ભાદરણ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. લૂંટ સંદર્ભે તપાસ કરતા LCBએ હ્યુમન તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી તપાસ હાથ ધરતા એવી માહિતી મળી હતી કે, લૂંટના ગુનામાં સંડોવાયેલા શખ્સો ભાદરણ ચોકડી નજીક આવેલ પેટ્રોલ પંપ પાસે ભેગા થયા છે, જેના આધારે પોલીસે છાપો મારતા સાત જેટલા શખ્સોને ઝડપી પાડ્યા હતા.