ગાજરાવાડીની આંગણવાડી અસામાજિક તત્ત્વોનો અડ્ડો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, માર્ચ 2026  |   2475

વડોદરા: વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓ અને આંગણવાડીઓની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. શહેરના ગાજરાવાડી વિસ્તારમાં પમ્પિંગ સ્ટેશન પાસે આવેલી પાલિકાની આંગણવાડી હાલ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. નાના બાળકો જ્યાં પાયાનું શિક્ષણ મેળવવા આવે છે, તે સ્થળ હવે નશાખોરો અને અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને ભય જાેવા મળી રહ્યો છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ આંગણવાડીની આસપાસ અને પરિસરમાં અસામાજિક તત્વો દિવસ-રાત જમાવડો કરે છે. આ તત્વો દ્વારા આંગણવાડીના કમ્પાઉન્ડમાં નશાની ચીજવસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેના પુરાવા તરીકે દારૂની ખાલી બોટલો અને નશીલા પદાર્થોના અવશેષો અવારનવાર મળી આવે છે. રાત્રિના સમયે આ સ્થળ અંધકારનો લાભ લઈને ગુનાહિત માનસ ધરાવતા લોકો માટે સુરક્ષિત આશ્રયસ્થાન બની ગયું છે. આ પરિસ્થિતિને કારણે આંગણવાડીમાં આવતા નાના બાળકો અને ત્યાં ફરજ બજાવતી મહિલા કાર્યકરોની સુરક્ષા જાેખમાઈ છે. બાળકોના વાલીઓ પણ હવે પોતાના સંતાનોને આંગણવાડી મોકલતા ડર અનુભવી રહ્યા છે. આંગણવાડીની દિવાલો પર અશ્લીલ લખાણો લખવા અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાની ઘટનાઓ પણ અવારનવાર બને છે. સ્થાનિક રહીશોની માંગ છે કે પોલીસ તંત્ર દ્વારા આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવે અને પાલિકા તંત્ર આંગણવાડીની ફરતે મજબૂત ફેન્સિંગ કે સીસીટીવી કેમેરા જેવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવે. જાે વહેલી તકે આ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં કોઈ મોટી અપ્રિય ઘટના બની શકે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution