વડોદરા-

ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા ) દ્વારા તાજેતરમાં વાઘોડિયા રોડ પર બનાવાયેલા સોટ્ટા સ્કવેરની બાજુમાં તંત્ર દ્વારા જર્જરિત મકાન ઉતારવાની ચાલતી હતી. જે કામગીરી દરમિયાન નિષ્કાળજીને કારણે કેટલોક ભાગ સોટ્ટા સ્કવેર પર પડ્યો હતો. જેને લઈ નુકસાન થતાં સ્થળ પર દોડી આવેલા ધારાસભ્ય શૈલેષ મહેતાએ આ ઘટનામાં જેની નિષ્કાળજી હશે તેની વિરુદ્ધ કાયદેસર પગલાં લેવામાં આવશે હોવાની વાત કરી હતી. વાઘોડિયા રોડ પર આવેલી નાલંદા પાણીની ટાંકી નજીક પાલિકા દ્વારા જૂનું જર્જરિત મકાન ઉતારવાની કામગીરી દરમિયાન તૂટી પડેલી મકાનની દિવાલ નજીકમાં આવેલા એપાર્ટમેન્ટમાં ધડાકાભેર અથડાતા સ્થાનિકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

વડોદરા જિલ્લાના ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા ) દ્વારા તાજેતરમાં વાઘોડિયા રોડ પર નાલંદા પાણીની ટાંકી નજીક સોટ્ટા સ્કેવર બનાવવામાં આવ્યું છે. જેની બાજુમાં જૂનું જર્જરિત મકાન આવેલું છે. આ મકાન ઉતારવાની કામગીરી દરમિયાન તેનો કેટલોક ભાગ સોટ્ટા સ્ક્વેર પર પડ્યો હતો અને બાજુની ઇમારતમાં ભારે નુકસાન પણ થયું હતું. આ ઘટનાને પગલે ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોટ્ટા પણ દોડી આવ્યા હતા. શૈલેષ મહેતાએ આક્ષેપ કર્યો હતો કે, પોલીસને ફોન કરવા છતાં પણ અડધો કલાક સુધી પોલીસ આવી નહોતી. જે બાબતને તેમણે દુઃખદ ગણાવી હતી. જ્યારે મકાન પડવાની વાતમાં તેમણે કહ્યું હતું કે, આ મકાન ઉતારવાની જે પ્રકારની કામગીરી ચાલતી હતી તે ભારે શંકાસ્પદ હતી. જે અંગે જે તે મકાન માલિક અને મકાન ઉતારનારા વ્યક્તિઓને પણ જાણ કરવામાં આવી હતી, પરંતુ તેમની નિષ્કાળજીને કારણે આ સમગ્ર ઘટના બની છે. સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.