પદ્મભૂષણ પુરસ્કારની જાહેરાત, જાણો કયા 5 ગુજરાતીઓને મળ્યુ સન્માન
27, જાન્યુઆરી 2021

અમદાવાદ-

પ્રજાસત્તાક પર્વે દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ પુરસ્કારની જાહેરાત થઈ છે. જે હેઠળ વિશેષ યોગદાન આપનારા નાગરિકોને પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પદ્મ એવોર્ડથી ગુજરાતના 5 વિખ્યાત લોકોને સન્માનિત કરવામાં આવ્યા છે.

ગુજરાતના સ્વ.કેશુભાઈ પટેલને મરણોત્તર પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરાયા છે. આ સાથે જ સ્વ.નરેશ કનોડિયા અને સ્વ.મહેશ કનોડિયાને મરણોત્તર સંયુક્ત પદ્મશ્રી પુરસ્કાર અપાયો છે, જ્યારે દાદુદાન ગઢવી,ચંદ્રકાંત મહેતા અને ફાધર વાલેસને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા છે.

મહેશ અને નરેશ કનોડિયાની બેલડી મહેસાણા જિલ્લાના ચાણસ્મા તાલુકામાં કનોડા ગામની છે. આ બન્ને ભાઈઓ કનોડાથી પાટણ, અમદાવાદ અને ત્યાંથી મુંબઈ ગયા હતા, જ્યાં આકરી મહેનત કરીને દક્ષિણ મુંબઈમાં ઘર વસાવ્યું હતું. ત્યાર બાદ મહેશ કુમાર એન્ડ પાર્ટી નામે ઓર્કેસ્ટ્રા વસાવી બન્ને ભાઈઓએ સાથે જ સંસદ સુધીની સફર કરી હતી. સમગ્ર જીવન સાથે રહેનારા બન્ને ભાઈની આ બેલડીને મરણોત્તર સંયુક્ત પદ્મશ્રી પુરસ્કાર અપાયો છે. ઉલ્લેખનીય છે કે, 25 ઓક્ટોબરના મહેશ કનોડિયાનું અવસાન થયું હતું અને તેના 2 દિનસ બાદ 27 ઓક્ટોબરે નરેશ કનોડિયાએ પણ આ દુનિયાને વિદાય આપી હતી. સમગ્ર જીવન સાથે રહેનારા આ બન્ને ભાઈઓએ દુનિયા પણ સાથે જ છોડી હતી. 

કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલી યાદીમાં ગુજરાતી દાદુદાન ગઢવીને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના વતની અને હાલ જૂનાગઢમાં વસવાટ કરનારા દાદુદાન ગઢવીને પદ્મશ્રી મળતાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે ખુશીનો માહોલ છવાયો છે. આ સાથે જ કળા અને શિક્ષણ ક્ષેત્રે યોગદાન બદલ ચંદ્રકાંત મહેતાને પણ પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે. આ ઉપરાંત મૂળ સ્પેનના અને ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે મોટું નામ ધરાવતા ફાધર વાલેસને પણ પદ્મશ્રી એનાયત કરાયો છે. ઉલ્લેખનીય છે કે, ફાધર વાલેસનું તાજેતરમાં જ અવસાન થયું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution