વડોદરા, તા.૬

ચોમાસું શરૂ થતાંની સાથે શહેરમાં ભૂવાઓ પડવાનો સિલસિલો શરૂ થતાં પાલિકાની કામગીરીની પોલ ખૂલી ગઈ છે. વારસિયા વિસ્તારમાં આજે વધુ એક મસમોટો ભૂવો પડ્યો હતો. તો રેસકોર્સ સર્કલથી નટુભાઈ સર્કલ જતા રોડ પર બે ભૂવાઓ પડતાં પાલિકાની કામગીરી સામે લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. શહેરમાં આવેલ વારસિયા વિસ્તારમાં વારસિયા પોલીસ સ્ટેશન પાસે મસમોટો ભૂવો પડ્યો હતો. સામાજિક કાર્યકરે ફરીથી આ જ વિસ્તારમાં ભૂવો પડતાં ભૂવાના સ્થળે બેસીને પાલિકાતંત્રનો વિરોધ કર્યો હતો. થોડા સમય પહેલાં જ વારસિયા વિસ્તારમાં ભૂવો પડ્યો હતો. આ ભૂવાને તાત્કાલિક રિપેરીંગ કામ કરવામાં નહીં આવે તો રામધૂન કાર્યક્રમ કરવામાં આવશે તેવી ચીમકી સાથે કહ્યું હતું કે, આ રોડ પર થોડા સમય પહેલાં જ બનાવવામાં આવ્યો છે. પરંતુ વારંવાર ભૂવા પડવાના કારણે નાગરિકોને હાલાકીનો સામનો કરવો રડી રહ્યો છે અને રાહદારીઓ માટે ભૂવા ક્યારેક જાેખમી સાબિત થઈ શકે છે તેમ પણ કહ્યું હતું. જ્યારે ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ જવાના માર્ગ પર બે મોટા ખાડા પડતાં વાહનચાલકો પરેશાન થયા હતા. થોડા દિવસ પહેલાં અહીં ગેસ કંપની દ્વારા કામગીરી માટે ખોદકામ કરવામા આવ્યું હતું. આ કામગીરી પૂર્ણ થયા બાદ પૂરાણ બરાબર ન કરાતાં રોડ બેસી ગયો હતો. તંત્ર દ્વારા ભૂવો પૂરવાની કામગીરી ત્વરિત કરવામાં આવે તેવી માગ સામાજિક કાર્યકરે કરીને ખાડામાં કોઈ ખાબકે નહીં તે માટે ઝાડની ડાળી લગાવી હતી.