કોલકત્તા-

ગુનાખોરીની વાત કરવામાં આવે તો ઘણા લોકો યુપી તરફ આંગળી ચિંધતા હોય છે પણ રાજકીય હિંસામાં પશ્ચિમ બંગાળ મોખરે હોય તેમ લાગે છે.

અહીંયા રાજકીય હિંસા રોકાઈ રહી નથી અને આજે વધુ એક ભાજપ કાર્યકરની હત્યા કરી નાંખવામાં આવી છે. હત્યાનો આરોપ મમતા બેનરજીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસના કાર્યકરો પર લાગ્યો છે.પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લામાં સ્વરુપ શો નામના ભાજપના કાર્યકરને ટીએમસીના કાર્યકરો ઘરેથી ઉઠાવીને લઈ ગયા હતા અને બાદમાં તેની હત્યા કરી દેવામાં આવી હોવાનો આરોપ ભાજપે લગાવ્યો છે.

ભાજપનુ કહેવુ છે કે, મા, માટી અને માનુષની સરકારમાં એક પછી એક રાજકીય હત્યાઓ થઈ રહી છે પણ બહુ જલ્દી બંગાળના લોકો આ જંગલરાજને હટાવીને હત્યારી સરકારને વિદાય આપી દેશે. અમિત શાહે તાજેતરમાં જ પશ્ચિમ બંગાળના પ્રવાસ દરમિયાન ભાજપના કાર્યકરોની હત્યાનો આરોપ મમતા બેનરજીની સરકાર પર લગાવ્યો હતો અને કહ્યું હતુ કે, મમતા બેનરજીની સરકારમાં 100 થી વધુ ભાજપ કાર્યકરોની હત્યા થઈ છે પણ ભાજપના કાર્યકરો ઝુકવાના નથી. 

ભાજપના પશ્ચિમ બંગાળ પ્રમુખે તો વળતી ધમકી પણ આપી છે કે, મમતા બેનરજીની પાર્ટી સુધરી જાય નહીંતર ભાજપનુ શાસન આવ્યુ તો હાડકા પાંસળા એક કરી દઈશું.