સુરત, તા. ૨૪

ગુજરાત સરકારની વીજકંપનીમાં વિદ્યુત સહાયકની નિમણૂક માટે બે વર્ષ અગાઉ ઓનલાઈન લેવાયેલી પરીક્ષામાં થયેલા હાઇટેક ડમી કૌભાંડ થયાનો પર્દાફાશ કરનારી સુરત ક્રાઇમ બ્રાન્ચે વડોદરાના એક શખ્સ વધુ બે પન્ટરોની ધરપકડ કરી છે. આ બંને પેપર લીક મામલે જેલવાસ ભોગવી ચૂક્યા છે. આ બંનેના પાંચ દિવસનાં રીમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે.

સુરત ક્રાઈમ બ્રાંચના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર સને ૨૦૨૦ થી ૨૦૨૧ દરમિયાન રાજ્યની વીજ કંપનીઓમાં ૨૧૫૬ વિદ્યુત સહાયક (જુનિયર આસિસ્ટન્ટ)ની ભરતી માટે સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં ૮ સ્થળોએ ઓનલાઇન, ઇન કેમેરા પરીક્ષા લેવાઈ હતી. આ પરીક્ષામાં કેન્દ્ર સંચાલકોએ હાઇટેક ગોઠવણ કરી ઉમેદવારોનાં ડમી એ પ્રશ્નપત્ર સોલ્વ કર્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. વિદ્યુત સહાયકની નોકરી મેળવવા ડમી થકી પરીક્ષા પાસ કરવા ઇચ્છુક યુવકોને એજન્ટ શોધી લાવતાં હતાં. આ ઉમેદવારોનો કેન્દ્ર સંચાલકો સાથે સંપર્ક કરાવાતો હતો. આ માટે એજન્ટોને ઉમેદવાર દીઠ ૫૦,૦૦૦ રૂપિયા કમિશન અપાતું હતું. ત્યારબાદ કેન્દ્ર સંચાલકો ઉમેદવારો સાથે વાટાઘાટ કરતાં હતાં. જેમાં ૮ થી ૧૦ લાખમાં સોદો થતો હોવાનું ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું છે. આ કૌભાંડમાં ધરપકડ કરાઇ છે એ સારથી એકેડમીનાં સંચાલક મોહંમદ ઉવેશ મોહંમદ રફીક પઠાણ (રહે, વાડી ખત્રીપોળ, સ્વામિનારાયણ મંદિર પાછળ, વડોદરા) ૮૦ થી ૯૦ લાખ રૂપિયા કમાયો હોવાનું અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે ઇન્દ્રવદન અને ઓવેશ કાપડવાલા બાદ હવે વડોદરાનાં અટલાદરાની સ્ટેકવાઇઝ ટેકનોલોજીનાં ભાસ્કર ગુલાબચંદ ચૌધરી (રહે, સમસાસા લક્ઝરી એપાર્ટમેન્ટ, કેનાલ રોડ, છાણી જકાતનાકા પાસે, વડોદરા) અને ભરતસિંહ તખતસિંહ ઝાલા (હે, રામપુરા, નારાયણ નગર ચાર રસ્તા પાસે, વાસણા પાલડી, અમદાવાદ)ની ધરપકડ કરી છે.

ક્રાઇમ બ્રાન્ચે આ બંનેને કોર્ટમાં રજુ કરી ૧૦ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. રિમાન્ડ માટે રજુ કરાયેલા મુદ્દા ધ્યાને લઇ કોર્ટે ૨૯મી તારીખ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું જાણવા મળે છે.

વડોદરાના ભાસ્કર ચૌધરીએ ૨૪ ઉમેદવારોને મિસ્ટર ઇન્ડિયાથી પાસ કરાવ્યા

 ભાસ્કર ગુલાબચંદ ચૌધરી વડોદરાના અટલાદરામાં આવેલી પ્રમુખ બજાર બિલ્ડીંગમાં સ્ટેકવાઇઝ ટેકનોલોજી નામથી કોમ્પ્યુટર એકેડમી ચલાવે છે. રાજ્યની વીજકંપનીઓ દ્વારા મુંબઇની એનએસએઆઇટી નામની આઇટી કંપનીને વિદ્યુત સહાયક એટલે કે જુનિયર આસિસ્ટન્ટની ઓનલાઇન ભરતી પરીક્ષા માટે કોન્ટ્રાક્ટ અપાયો હતો. મુંબઇની કંપનીએ ચૌધરીની સ્ટેકવાઇઝ ટેકનોલોજીને પેટા કોન્ટ્રાક્ટર આપ્યો હતો. આ વાતનો ગેરલાભ ઉઠાવી ચૌધરીએ ડમી કાંડ કર્યો હતો. તેણે નિશિકાંત સિન્હા, ચિરાયુ શાહ તથા ઇન્દ્રવદન પરમાર નામના એજન્ટ હસ્તક ૨૪ જેટલા ઉમેદવારોની બેઠક વ્યવસ્થા કરી ડમી થકી સાચા જવાબો લખાવી ગેરરીતિ આચરી હતી. જેના થકી તેણે ૪૦થી ૪૫ લાખ રૂપિયા મેળવ્યા હોવાનું ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું છે.

શિક્ષક ભરતસિંહ ઠાકોરે ૮ ઉમેદવારો પાસેથી ૮૫ થી ૯૦ લાખ લીધા

 ભરતસિંહ ઝાલા ઉર્ફે ઠાકોર મૂળ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વરધાનામુવાડા ગામનો વતની છે. તે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. ઠાકોરે પણ આ પરીક્ષામાં ૧૧ ઉમેદવારોનું સેટિંગ ગોઠવ્યું હતું. તે ઇન્દ્રવદન પરમારના સંપર્કમાં રહયો અને પરીક્ષા કેન્દ્ર સંચાલક સાથે ડમીની ગોઠવણ કરી હતી. જેમાં ૮ જણા જ સફળ રહ્યા હતાં. ઠાકોરે તેની લાઇનમાં સેટ થયેલા પરીક્ષાર્થી દીઠ ૧૦થી ૧૨ લાખ રૂપિયા ઉસેટ્યા હતાં. આ રકમમાંથી ઇન્દ્રવદનને ૮ લાખ પેટે ૮ ઉમેદવારના ૬૪ લાખ રૂપિયા ચૂકવ્યા હતાં. હવે ક્રાઇમ બ્રાન્ચે આ કૌભાંડીઓ પાસેથી તેમણે ઉમેદવારો પાસે વસૂલ કરેલા લાખ્ખો રૂપિયા રીકવર કરવા કવાયત શરૂ કરી છે. આ માટે તેઓએ વસાવેલી મિલકતોની તપાસ પણ હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

ચૌધરી જુનિયર ક્લાર્ક અને ઠાકોર લોકરક્ષક ભરતી કૌભાંડમાં આરોપી

વીજકંપનીની પરીક્ષામાં ડમી થકી પેપર સોલ્વ કરવાના કૌભાંડમાં ધરપકડ કરાઇ છે એ ભાસ્કર ગુલાબચંદ ચૌધરી રીઢો ખેલાડી છે. વર્ષ ૨૦૧૯માં તે રાજસ્થાનના હાઇપ્રોફાઇલ બીટ્‌સ પીલાની કોલેજના એડમિશન કૌભાંડમાં સંડોવાયેલો હતો. ડોક્યૂમેન્ટલ ફ્રોડ કરી ગેરકાયદે એડમિશન અપવવામાં તેની સીબીઆઈ દ્વારા ધરપકડ કરાઇ હતી, ત્યારબાદ ૨૦૨૩માં તેણે ગુજરાતમાં જુનિયર ક્લાર્ક પરીક્ષાના પેપર લીક કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ પ્રકરણે એટીએસ દ્વારા તેની ધરપકડ કરાઇ હતી. જ્યારે ભરતસિંહ વર્ષ ૨૦૧૮માં ગૃહ વિભાગની લોકરક્ષકની ભરતીના પેપર લીક કરવાના કૌભાંડમાં આ ઠાકોર સંડોવાયેલો હતો. જેમાં તેની સામે ગાંધીનગર સેક્ટર-૭ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ કેસમાં ત્રણ માસ જેલમાં રહ્યા બાદ તે જામીન મુક્ત થયો હતો.