અહિંયા મહિલા અત્યાચારની બીજી ઘટના, ફોન પર વાત કરવા બાબતે 2 સગીરાને પડ્યો માર
24, જુલાઈ 2021

દાહોદ-

જિલ્લાનો ધાનપુર તાલુકો હાલમાં મહિલાઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને ચર્ચામાં છે. થોડા દિવસો અગાઉ ધાનપુરના ખજૂરી ગામે એક પરિણીતાના ખભે તેણીના પતિને બેસાડીને આખા ગામમાં ફેરવવામાં આવી હતી. જેનો વીડિયો વાઇરલ થયો હતો. જ્યારબાદ આજે શનિવારે વધુ એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં 2 સગીરાઓને ફોન પર વાત કરવા બાબતે જાહેરમાં માર મારવામાં આવતો હોવાનું જોવા મળી રહ્યું છે. વાઇરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, 2 સગીરાઓની આસપાસમાં કેટલાક લોકો ઉભા છે અને તેમને મોબાઈલ ક્યાંથી આવ્યો ?, કોને કોને નંબર આપ્યા છે ? સહિતના પ્રશ્નો લોકો દ્વારા પૂછવામાં આવી રહ્યા છે. થોડા સમય સુધી સવાલો પૂછ્યા બાદ એક વ્યક્તિ સગીરાના વાળ પકડીને તેને થપ્પડ મારતો નજરે પડે છે. જ્યારે અન્ય એક યુવક અન્ય સગીરાને જમીન પર ફેંકીને લાતો અને હાથ વડે મારતો જોવા મળે છે. ધાનપુર તાલુકાના ખજૂરી ગામમાં એક 23 વર્ષીય પરિણિતા થોડા સમય અગાઉ પોતાના પ્રેમી સાથે નાસી છૂટી હતી. જ્યારબાદ સાસરિયાઓ તેણીને શોધી લાવ્યા હતા અને ગડદાપાટુનો માર મારીને પરિણિતાના કપડા પણ ફાડી નાંખ્યા હતા. જ્યારબાદ પતિને તેણીના ખભા પર બેસાડીને આખા ગામમાં ફેરવી હતી. આ ઘટનાનો વીડિયો વાઇરલ થતા અને તેના પડઘા ગાંધીનગર સુધી પડતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution