29, ઓગ્સ્ટ 2025
દહેરાદુન |
2376 |
ઘરોમાં કાટમાળ ફરી વળતા લોકો મુશ્કેલીમાં
કાટમાળ નીચે અનેક પશુઓના મૃતદેહ મળ્યા
ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશને આ વખતે ચોમાસાની ઋતુમાં ભારે નુકસાન થયું છે. એક પછી એક અનેક વિસ્તારોમાં વારંવાર આભ ફાટવા જેવી કુદરતી આફતના કારણે ભારે વિનાશ સર્જાઈ રહ્યો છે. ત્યારે ગઇકાલે રાતે ફરી એકવાર ચમોલી જિલ્લામાં જ આભ ફાટવાની ઘટના બની છે. જેમાં પ્રાથમિક વિગતો મુજબ બે લોકો ગુમ થયાં છે.
મળતી માહિતી અનુસાર ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના થરાલી બાદ હવે દેવાલના મોપાટામાં આભ ફાટવાની ઘટના બની છે. આ ઘટના બાદથી બે લોકો ગુમ છે જ્યારે સમગ્ર વિસ્તારમાં ઘરોમાં કાટમાળ અને કાદવ ફરી વળ્યો છે. અનેક મકાનોને નુકસાન થયું છે. અનેક પશુ-પ્રાણીઓ પણ કાટમાળ નીચે દટાઈ ગયા છે.
આભ ફાટ્યાની ઘટનાની જાણકારી મળતા જ સ્થાનિક તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાટમાળ ખસેડવાની કામગીરી ત્વરિત શરૂ કરી દેવામાં આવી હતી. આભ ફાટવાની ધટનામાં 15-20 પશુઓના મૃતદેહો કાટમાળમાં દટાયેલી હાલતમાં મળી આવ્યાં હતા.