વડોદરા, તા.૧૪

સેવકોની ફોજ વચ્ચે એ.સી. કેબિનોમાં બેસી શહેરના ટ્રાફિકને કંટ્રોલ કરતા હોવાનો ફાંકો મારતા ઉચ્ચ અધિકારીઓનો ગઈકાલે ‘લોકસત્તા-જનસત્તા’એ જાહેરમાં કાન આમળી ખુદ પોલીસ વાહનચાલકો અડચણરૂપ વાહન પાર્ક કર્યાનો પુરાવો રજૂ કરતાં છંછેડાયેલા ઉચ્ચ અધિકારીએ આજે જવાબદારીમાંથી હાથ ખંખેરી લેવાનો સૂર વ્યક્ત કર્યો હતો. ટ્રાફિક એસીપી વસાવાએ ‘લોકસત્તા-જનસત્તા’ને જણાવ્યું કે આપે પુરાવા સાથે છાપેલો અહેવાલ મેં વાંચ્યો જ નથી. જાે કે, આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર આજે ઉચ્ચસ્તરેથી એસીપી વસાવાનો ઉધડો લેવાયો હતો. એટલું જ નહીં, આ ઘટના અંગે તપાસ કરી વહેલીતકે વિગતવાર ખુલાસો અને તપાસ અહેવાલ રજૂ કરવા જણાવાયું છે. મેં અહેવાલ વાંચ્યો નથી એવું કહેનાર આ ઉચ્ચ અધિકારીએ તરત જ એમ ઉમેર્યું હતું કે, મેં રાવપુરા પો.ઈ.ને આ બાબતે તપાસ કરી અહેવાલ આપવા જણાવ્યું છે. જાે તેમણે અહેવાલ વાંચ્યો જ નહોતો તો એમણે તપાસ કઈ બાબતને આધારે આપી એવો તર્કબદ્ધ પ્રશ્ન આ ઉચ્ચશિક્ષિત ઉચ્ચ પોલીસ અધિકારીને પૂછતાં જ એ છંછેડાયા હતા. સામાન્ય રીતે પોલીસકર્મીઓ દ્વારા થતા ગુના સપાટી પર આવે ત્યારે પોલીસકર્મીઓ જ તેને દબાવી અથવા રફેદફે કરી નાંખતા હોય છે અને ‘નબળો ધણી બૈરી પર શૂરો’ કહેવતની જેમ સામાન્ય પ્રજા પર જાહેરમાં બીભત્સ ગાળોનો વરસાદ વરસાવી દંડ વસૂલે છે. પોલીસ ખાતાની આ બેવડી નીતિના જીવતા-જાગતા દાખલારૂપ ‘લોકસત્તા-જનસત્તા’એ છાપેલો અહેવાલ આજે ઠેઠ ગૃહ રાજ્યમંત્રી અને રાજ્યના પોલીસવડા સુધી પહોંચ્યો હોવાના અને આ બાબતે તમામ સંબંધિતોના ખુલાસા મંગાયા હોવાનું જાણવા મળ્યું છે. ડીસીપી જ્યોતિબેન પટેલે પોતે હાલમાં જ હોદ્દો ગ્રહણ કર્યાનું જણાવી આ બાબતે કંઈપણ કહેવાનું સાફ નકાર્યું હતું. ટ્રાફિક એસીપી વસાવાએ એમ પણ ઉમેર્યું હતું કે, ગુનો કરનાર પોલીસની ગાડી ગ્રામ્ય પોલીસની હોવાથી મેં તેમને પણ તપાસના આદેશ આપ્યા છે, જે અહેવાલ આ ઉચ્ચ પોલીસ અધિકારીએ વાંચ્યો જ નથી એ અહેવાલ અંગે બે-બે અધિકારીઓને તપાસ સોંપનાર અધિકારી આવું જ બુદ્ધિચાતુર્ય ટ્રાફિક નિયમનમાં વાપરે તો આ શહેરનો તમામ રાહદારી-વાહનચાલક તેમને જાહેરમાં સલામ ઠોકશે. પણ જેમને એવી સલામ લેવાની તસ્દી જ ન લેવી હોય એનો કોઈ ઈલાજ નથી.ટ્ઠ

ટ્રાફિક એસીપી વસાવાનો વાહિયાત બચાવ

એક પ્રશ્નના જવાબમાં ટ્રાફિક એસીપી વસાવાએ ‘લોકસત્તા-જનસત્તા’ને જણાવ્યું કે, ખોટી રીતે પાર્ક થયેલું પોલીસનું એ વાહન ગ્રામ્ય પોલીસનું છે, આમ કહી તેઓ આ પ્રકરણ પણ પડદો પાડવાની તજવીજ કરી રહ્યા હતા. પરંતુ જ્યારે તેમને કહ્યું કે, ભલે વાહન ગ્રામ્ય પોલીસનું છે પણ એણે ગુનો વડોદરા શહેરમાં કર્યો છે તો એની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની જવાબદારી તમારી નહીં? આ પ્રશ્નથી એસીપી વસાવા છંછેડાયા હતા તથા એમ કહ્યું હતું કે મેં આપને અગાઉ જે જવાબો આપી દીધા છે તે આ પ્રકરણ માટે પૂરતા છે, આમ કહી તેમણે ફોન મૂકી દીધો હતો.