વડોદરા : શહેરમાં કોરોના વિસ્ફોટ વચ્ચે રોજ પોઝિટિવ કેસો અને મૃત્યુઆંક વધી રહ્યો છે. કોરોનાના કહેર વચ્ચે વિતેલા ૨૪ કલાકમાં વડોદરાની એમ.એસ.યુનિ.માં અભ્યાસ કરતાં તાન્ઝાનિયાના વિદેશી વિદ્યાર્થી, ગ્રાહક કોર્ટના નિવૃત્ત જજ, કોંગ્રેસના અગ્રણીની પત્ની સહિત ર૦૦ લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે તંત્ર દ્વારા સત્તાવાર આંકડો ૮ દર્શાવવામાં આવ્યો છે. કોરોનાના સેમ્પલિંગ વધારવાની સાથે પોઝિટિવ કેસોની સંખ્યા વધતાં ર૪ કલાકમાં વધુ ૭૮૧ પોઝિટિવ કેસ નોંધાયા છે.

વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાના વિસ્ફોટના કારણે હાહાકાર મચી ગયો છે. રોજબરોજ કોરોનાના દર્દીઓની સંખ્યા વધવાની સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડ મેળવવા માટે હેલ્પલાઈન શરૂ કરાઈ છે. તંત્ર દ્વારા બેડની સંખ્યા વધારવામાં આવી રહી છે પરંતુ બીજી તરફ પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. કોરોના કહેર વચ્ચે વિતેલા ર૪ કલાકમાં વડોદરાની એમ.એસ.યુનિ.માંથી પીએચડીનો અભ્યાસ કરતોઅ ને હોસ્ટેલમાં રહેતો વિદેશી તાન્ઝાનિયાનો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતાં ગોત્રી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જ્યારે ગ્રાહક કોર્ટના નિવૃત્ત જજ, કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણીની પત્ની સહિત ર૦૦ લોકોનાં મોત નીપજ્યાં હતાં.

જ્યારે ર૪ કલાકમા ૯૦૫૭ લોકોના કોરોનાના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા જે પૈકી ૭૮૧ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આમ પોઝિટિવ કેસોની સંખ્યા સતત વધી રહી છે. તંત્રના જણાવ્યા મુજબ એક્ટિવ દર્દીઓની સંખ્યા ૭૨૯૬ છે જેમાં ૬૪૫૬ સ્ટેબલ, ૫૧૧ ઓક્સિજન ઉપર અને ૩૨૯ વેન્ટિલેટર ઉપર સારવાર હેઠળ છે. ત્યારે સંપૂર્ણ સ્વસ્થ થયેલા વધુ ૪૩૮ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા હતા. આમ અત્યાર સુધી ૩૪,૮૨૦ દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થતાં રજા આપવામાં આવી છે. પોઝિટિવ આવેલા કેસોમાં સૌથી વધુ ૧૩,૪૪૬ દર્દીઓ ગ્રામ્ય વિસ્તારના છે જ્યારે વડોદરાના ઉત્તર ઝોનમાં ૭૮૩૦, પૂર્વ ઝોનમાં ૬૨૬૪, પશ્ચિમ ઝોનમાં ૭૩૬૮ અને દક્ષિણ ઝોનમાં ૭૪૩૦ કેસ નોંધાયા છે. તંત્ર દ્વારા કોરોનાના કારણે આજે વધુ ૮ મૃત્યુ સાથે અત્યાર સુધી ૩૫૮ લોકોના મૃત્યુ થયા છે.

ઓએસડીએ સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સમીક્ષા કરી

વડોદરા. ખાસ ફરજ પરના અધિકારી (ઓએસડી) અને શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવે આજે સયાજી હોસ્પિટલ અને સમરસ કોવિડ હોસ્પિટલની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી જેમાં સયાજી હોસ્પિટલમાં ૭૫૦ અને સમરસ હોસ્પિટલમાં પ૦૦ મળી કુલ ૧૨૫૦ જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે અન્ય રાજ્યોના ૨૬ સહિત વડોદરા બહારના ૨૦૧ દર્દીઓ એસ.એસ.જી.માં સારવાર હેઠળ છે જેમાં મહિસાગર જિલ્લાના ૩૭, ભરૂચના ૨૬, અમદાવાદના ૨૫, પંચમહાલના ૧૭, છોટાઉદેપુરના ૧૧, દાહોદના ૧૦, આણંદ-ખેડાના ૭, અન્ય જિલ્લાઓના ૩૪ અને અન્ય રાજ્યના ૨૬ લોકોનો સમાવેશ થાય છે. એ જ પ્રમાણે ગોત્રી હોસ્પિટલમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત શહેરના ૧૫૨ દર્દીઓ સારવાર હેઠળ છે જેમાં અમદાવાદના ૧૪, આણંદના ૧૫, અરવલ્લીના ૧, ભરૂચના ૩૨, છોટાઉદેપુરના ૧૫, ખેડાના ૩, મહેસાણાના ૧, નર્મદાના ૬, રાજકોટના ૨, મધ્યપ્રદેશના ૯ અને રાજસ્થાનના ૨, સુરત અને સુરેન્દ્રનગરના બે-બે દર્દીઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. આમ શહેરની બે મુખ્ય હોસ્પિટલમાં રાજ્ય અને શહેર બહારના ૩૫૩ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

શહેર-જિલ્લામાં ૧૦,૩૦૯ દર્દીઓ હોમ ક્વોરન્ટાઈન

વડોદરા. વડોદરા શહેર-જિલ્લામાં પાઝિટિવ આવેલા દર્દીઓ પૈકી ઘરે સારવાર લ શકતા હોય તેવા દર્દીઓ અને તેમના સંપર્કમાં આવેલા લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવેલ છે ત્યારે વડોદરા શહેર જિલ્લામાં ૧૦૩૦૯ વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઈન હોવાનું તંત્રે જણાવ્યું હતું.

સરકાર માન્ય દર મુજબ પાલિકાની પાંચ શાળાઓમાં આરટીપીસીઆર ટેસ્ટ કરાશે

વડોદરા. મેયર કેયુર રોકડિયાએ કોરોના સંક્રમણને અટકાવવાના ભાગરૂપે શહેરના બે ખાનગી લેબોરેટરી સાથે સંકલન કરીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પાંચ શાળાઓમાં લોકો માટે સરકાર દ્વારા માન્ય કરવામાં આવેલા દર મુજબ આરટીપીસીઆર ટેસ્ટ માટેના કલેકશન સેન્ટર શરૂ કરવાનું આયોજન કર્યું છે. પાલિકાના સંકલનથી આવતીકાલથી દરરોજ સવારે ૯ થી બપોરના ૧ વાગ્યા સુધી બરોડા યુનિપેથ અને પેથોકેર લેબોરેટરી દ્વારા ફતેગંજ મહારાણા પ્રતાપ સ્કૂલ મિશ્ર પ્રાથમિક શાળા, તરસાલી શરદનગર વીર નર્મદ મિશ્ર પ્રાથમિક શાળા, બાપોદ પ્રાથમિક શાળા, કારેલીબાગ સરદાર વલ્લભભાઈ પટેલ મિશ્ર પ્રાથમિક શાળા અને સમા ગામ સમા પ્રાથમિક શાળામાં ટેસ્ટ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. પાલિકા દ્વારા શાળાનું બિલ્ડિંગ ફાળવવામાં આવ્યુ છે, તમામ સાધાન સામગ્રી લેબોરેટરીની રહેશે.

કોમર્સ ફેકલ્ટીમાં પીએચડી કરવા આવેલ તાન્ઝાનિયાના વિદ્યાર્થીનું કોરોનાથી મોત

વડોદરા ઃ શહેરમાં કોરોનાની મહામારી રોજ સંખ્યાબંધ લોકોનો ભોગ લઇ રહી છે.અને આ મહામારી એમ એસ યુનિવર્સિટીમાં પણ ફેલાઇ છે.વિવિધ ફેકલ્ટીના પ્રોફેસર અને કર્મચારી કોરોનાથી સંક્રમિત થતા યુનિ.સત્તાધિશો દ્વારા વિદ્યાર્થીઓની વિશેષ દેખરેખ રાખવામાં આવી રહી છે.ત્યારે આજે કોમર્સ ફેકલ્ટીમાં પીએચડી કરતા તાન્જાનિયાના વિદ્યાર્થીનુ કોરોનાને કારણે સારવાર દરમ્યાન મોત થતા વિદ્યાર્થીઓ તેમજ પ્રોફેસરો,કર્મચારીઓમાં ફફડાય ફેલાયો છે.તાન્જાનિયામાં રહેતો નિગોવી એમ્યુનલ હેરિસન એક દોઢ મહીના પહેલા જ પીએચડી કરવા યુનિવર્સિટીમાં આવ્યો હતો.અને કોમર્સ ફેકલ્ટીના ફોરેનર્સ કવાર્ટસમાં રહેતો હતો.તેને કોરોના પોઝીટીવ આવતા સારવાર માટે યુનિવર્સિટી સત્તાધિશો દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો.પણ આજે તેનું મોત થયું હતું.આ ઘટનાને પગલે યુનિ.સત્તાધિશોમાં ચિંતાની લહેર ફેલાઇ છે.યુનિ.સત્તાધિશોએ વિદ્યાર્થી નિગોવીના પરિવારને જાણ કરવામાં આવી છે.જેના આધારે પરિવારના સભ્યોએ એમ્બેસીમાં જાણ કરીને તેની લાશ તાન્જાનિયા લાવવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.જયારે પોલીસે પણ વિદ્યાર્થીની લાશ તાન્જાનિયા મોકલવા પરવાનગી આપી છે.હાલ નિગોવીને લાશ સયાજી હોસ્પિટલના કોલ્ડરુમમાં મૂકવામાં આવી છે.

સમરસ હોસ્પિટલ માટે ય્જીહ્લઝ્ર પાસેથી ૧૦ ટન ઓક્સિજન મેળવાશે

વડોદરા. ખાસ પરના અધિકારી (ઓએસડી) ડો. વિનોદ રાવે જીએસએસીની મુલાકાત લઈને ઓક્સિજનના પુરવઠા અંગે ચર્ચા વિચારણા કરી હતી. જેમાં જીએસએફસી દ્વારા આગામી સપ્તાહ સુધીમાં ઓક્સિજનનું ઉત્પાદન પાંચ ટનથી વધારીને ૧૦ ટન કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જેથી સમરસ હોસ્પિટલમાં વધારાના બેડ માટે જીએસએફસી પાસેથી ૧૦ ટન પ્રવાહી ઓક્સિજન મેળવવામાં આવશે.

વડોદરાને ૧૪ મે.ટન જેટલો ઓક્સિજનનો જથ્થો વધારાયો

વડોદરા. વડોદરાને ૧૭૦ મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત સામે ગઈકાલે ૧૪૨ મેટ્રિક ટન જેટલો જ જથ્થો મળતાં આજે કેબિનેટની મળેલી બેઠકમાં ઓક્સિજનનો જથ્થો વધારવા માટે મંત્રી યોગેશ પટેલ દ્વારા રજૂઆત કરાઈ હતી. જેમાં ૧૪ ટન જેટલો જથ્થો વધારવામાં આવ્યો હોવાનું મંત્રી યોગેશ પટેલે જણાવ્યું હતું. જાે કે, હજુ ૧૫-૨૦ મેટ્રિક ટન જેટલી ઘટ આવે છે તે માટે સાંજે કલેકટર કચેરી ધારાસભ્ય હોલમાં મંત્રી યોગેશ પટેલના અધ્યક્ષસ્થાને મેયર, સાંસદ, ધારાસભ્યો તેમજ ઉચ્ચ અધિકારીઓની બેઠક ખાધ પૂરી થાય તે માટે યોજાઈ હતી.