28, એપ્રીલ 2021
વડોદરા : બેકાબૂ બનેલી કોરોનાની પરિસ્થિતિમાં સેંકડો દર્દીઓ સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ત્યારે એમના સગાંવહાલાં પણ હોસ્પિટલના કંપાઉન્ડમાં જ અડિંગો જમાવીને દર્દીઓની હાલતની જાણકારી મેળવવાના પ્રયાસો કરે છે. એવા સમયે મોડા તો મોડા સેવા કરવા પહોંચેલા ભાજપાના નેતાઓ પૈકી સાંસદ સમક્ષ એક પુત્રીએ દર્દી પિતાને બચાવી લેવા કરેલા આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું હતું. દર્દીઓના સગાંઓએ સયાજી હોસ્પિટલની બેદરકારી અંગે ઉગ્ર રજૂઆત કરી હતી. આમ જમવાનું આપવાની સેવા કરવા માટે આજે દોડી આવેલાં સાંસદ, મેયર, ધારાસભ્ય અને કોર્પોરેટર સહિત અગ્રણી નેતાઓ સમક્ષ દર્દીઓના સગાઓએ ઉગ્ર રજૂઆતો કરી હોબાળો મચાવતાં ભાજપાના નેતાઓ ડઘાઈ ગયા હતા.
શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા હર્ષદભાઈ પટેલ સયાજી હોસ્પિટલમાં છેલ્લા ૬ દિવસથી સારવાર લઇ રહ્યા છે. જાે કે તેમની યોગ્ય સારવાર ન થઇ રહી હોવાના આક્ષેપ સાથે દર્દીના સ્વજનોએ હોબાળો મચાવ્યો હતો. પિતાને બચાવવા માટે લાચાર દીકરી સાંસદ રંજનબેન ભટ્ટ સામે રડી પડી હતી. દીકરીએ સાંસદ રંજનબેનને કહ્યું હતું કે જાે મારા પિતા જ જીવતા નહીં રહે તો હું જીવીને શું કરીશ. જાે કે સાંસદ રંજનબેન ભટ્ટે દીકરીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને દર્દીની વિગતો લઇને સારવારમાં મદદરૂપ થવાનું આશ્વાસન આપ્યું હતું.દર્દીની દીકરી નિકિતા પટેલે જણાવ્યું હતું કે મારા પિતા હર્ષદભાઈ પટેલ હોસ્પિટલમાં દાખલ છે અને અમે માંજલપુર વિસ્તારમાં રહીએ છીએ. મારા પિતાનો થોડા દિવસો પહેલાં કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. એ પહેલાં પણ તેમની સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન અમે ખાનગી હોસ્પિટલમાં ખૂબ તપાસ કરી, પણ બેડ મળ્યો નહોતો. છેલ્લે અમે ૧૦૮ એમ્બ્યુલન્સને કોલ કરીને બોલાવ્યા હતા. સયાજી હોસ્પિટલમાં ૨૨ એપ્રિલથી મારા પિતાને દાખલ કર્યા હતા. જાે કે સતત તેમનું ઓક્સિજન લેવલ ઓછું બતાવે છે. તેમને અલગ વોર્ડમાં મૂકી દે છે તોપણ અમને કહેતા નથી. અમે ફાંફાં મારીએ છીએ, પણ મારા પિતા ક્યાં દાખલ છે એ કોઇ પણ કહેતા નથી.