વડોદરા

દેશમાં ઉત્તરોત્તર વધી રહેલી બેરોજગારી મુદ્દે વડોદરા શહેર યુવક કોંગ્રેસ દ્વારા બેરોજગાર હુંકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દાંડિયા બજાર લક્કડીપુલ કોંગ્રેસ કાર્યાલયથી નર્મદા ભવન રોજગાર કચેરી સુધી પદયાત્રા રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો જાેડાયા હતા અને યુવાનોને રોજગારી મળે તે માટે યોગ્ય કાર્યવાહી કરવા માગ કરી હતી.

દેશમાં બેરોજગારી વધી રહી છે તેમાંય કોરોનાકાળમાં અનેકોની રોજગારી છીનવાઈ ગઈ છે ત્યારે વડોદરા શહેર યુવક કોંગ્રેસ દ્વારા બેરોજગાર હુંકારી રેલી યોજવામાં આવી હતી જે કોંગ્રેસ કાર્યાલયથી નર્મદા ભવન રોજગાર કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં બેરોજગારી સામે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી અને સરકાર યુવાનોને રોજગારી આપવામાં નિષ્ફળ રહી હોવાના આક્ષેપો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને તમામ પક્ષો સક્રિય બની ગયા છે અને મહત્તમ લોકો સુધી પહોંચવા માટે જનસંપર્ક અભિયાન વધુ તેજ બનાવ્યું છે. ત્યારે આજે વડોદરા શહેર યુવક કોંગ્રેસે પ્રભારી હેમંત ઓગલે અને સહપ્રભારી મોહંમદ શાહીદની આગેવાનીમાં બેરોજગાર હુંકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવક કોંગ્રેસ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જાેડાયા હતા. યુવક કોંગ્રેસના અગ્રણીઓએ જણાવ્યું હતું કે પાછલાં કેટલાંક વરસોથી બેરોજગારીએ માઝા મુકી છે, રોજગારી ન મળતાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે યુવક કોંગ્રેસ દ્વારા બેરોજગારીના મુદ્દે વાચા આપવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, બેરોજગારીનો દર વધીને ૧૦ ટકા થઈ ગયો છે, ત્યારે સરકારી યુવાનોને આપેલા વચનોનું પાલન કરે તેવી માગ કરી હતી.