અમદાવાદ : મહેસાણા નગરપાલિકાના વિવિધ વિભાગોમાં કાર્યરત ૧૮૦ કર્મયોગીઓને કાયમી નિમણુંક પત્રો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. નીતિન પટેલે આ દરમિયાન જણાવ્યુ કે, કોરોનાના કપરા કાળમાં સફાઇ કર્મયોગીઓ દ્વારા નિષ્ઠાપૂર્વક કામ કરાયું છે. દેશમાં સફાઇ કર્મીઓ અને આરોગ્ય સાથે સંકળાયેલા કર્મીઓ ખરા અર્થમાં કોરોના વોરીયર્સ છે. નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલે ઉમેર્યું હતું કે પાલિકાઓમાં સૌથી મહત્વનું કાર્ય સફાઇ કર્મીઓનું છે.કોરોના ના કપરા સમયમાં સફાઇ કર્મીઓ દ્વારા સામાજિક જવાબદારી ઉપાડીને સ્વચ્છતાનું મહત્વનું કામ કર્યુ છે. સ્વચ્છતાના આ સૈનિકોએ ફરજનિષ્ઠા પુર્વક ગૌરવપુર્ણ કામ કર્યું છે.નીતિનભાઈએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા લોકહિતના અનેકવિધ કાર્યો થયા છે.
મહેસાણા શહેરની ડી.પીની મંજુરી મળતાં શહેરનો વિકાસ પુર ઝડપે થવાનો છે.સરકારે હમેશાં લોકહિત,રાષ્ટ્રહિત અને લોકશાહીને અગ્રેસરતા આપી વિકાસના કામો કર્યા છે.મહેસાણા શહેર આગામી સમયમાં રાજ્યમાં પ્રથમ હરોળના વિકાસશીલ શહેર બને તે દિશામાં આપણે સૌ સહિયારો પ્રયત્ન કરીએ. મહેસાણા પાલિકાના સભ્યોની મુદ્દત પણ પુરી થઇ રહી છે જેથી તેમણે નગરપાલિકાના તમામ સભ્યોને અભિનંદન પાઠવી આગામી સમયમાં રાષ્ટ્રહિત અને લોકહિત સાથે સંકળાયેલ સભ્યો પાલિકાનો વહીવટ કરે તેવી આશા વ્યક્ત કરી હતી.
મહેસાણા નગરપાલિકા પ્રમુખ નવીનભાઇ પરમારે જણાવ્યું હતું કે મહેસાણા નગરપાલિકામાં પાંચ વર્ષ પહેલાં ભરતી કરેલા વિવિધ ૨૫૪ કર્મયોગીઓમાંથી ૧૮૦ કર્મચારીઓને આજે કાયમી નિમણુંક આદેશ આપવામાં આવશે બાકીના કર્મયોગીઓને સમયાંતરે કાયમી નિમણુંકના આદેશ આપવામાં આવનાર છે. મહેસાણા ટાઉનહોલ ખાતે મહેસાણા નગરપાલિકાના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓને તેમની નિમણુંકના પાંચ વર્ષ પુર્ણ થયેલ હોવાથી નિયમિત પગાર ધોરણના નિમણુંક પત્ર અર્પણ કાર્યક્મ નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. કાર્યક્મમાં સંસદ સભ્ય શારદાબેન પટેલ,જિલ્લા કલેકટર એચ.કે.પટેલ,મહેસાણા એ.પી.એમ.સી ચેરમેન ખોડભાઇ પટેલ,અગ્રણી જશુભાઇ પટેલ,નિવાસી અધિક કલેકટર તેમજ પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.