લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, ફેબ્રુઆરી 2026 |
2871
નવી દિલ્હી, ભારતીય વાયુસેનાની તાકાતમાં અનેકગણો વધારો કરવાના ઉદ્દેશ્યથી કેન્દ્ર સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ર્નિણય લીધો છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી સંરક્ષણ સંપાદન પરિષદ (ડીએસે) એ ફ્રાન્સ પાસેથી ૧૧૪ રાફેલ ફાઇટર જેટ ખરીદવાના રૂ. ૩.૨૫ લાખ કરોડના પ્રસ્તાવને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ સોદો ભારતની અત્યાર સુધીની સૌથી મોટી લશ્કરી ખરીદી છે, જેનો મુખ્ય હેતુ ભારતની સંરક્ષણ ક્ષમતાને આંતરરાષ્ટ્રીય સ્તરે સર્વોપરી બનાવવાનો છે.
આ સોદો માત્ર ખરીદી પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે ભારતને ફાઇટર જેટ ઉત્પાદનનું હબ બનાવવાની દિશામાં એક મોટું ડગલું છે. આ ડીલ હેઠળ શરૂઆતના ૧૮ રાફેલ વિમાનો ફ્રાન્સની દસોલ્ટ એવિએશન પાસેથી સીધા તૈયાર સ્થિતિમાં ખરીદવામાં આવશે. જ્યારે બાકીના ૯૬ વિમાનોનું ઉત્પાદન ફ્રાન્સની ટેકનોલોજીની મદદથી ભારતની ધરતી પર કરવામાં આવશે. જે માટે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ હૈદરાબાદમાં એક અત્યાધુનિક ફેસિલિટી સ્થાપશે. જ્યાં રાફેલના મુખ્ય ભાગો જેવા કે સેન્ટ્રલ ફ્યુઝલેજ અને ફ્રન્ટ સેક્શનનું ઉત્પાદન કરવામાં આવશે. તેમજ સોદામાં અત્યાધુનિક ફાઇટર જેટ ટેકનોલોજીના ટ્રાન્સફરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જે ભવિષ્યમાં ભારતના સ્વદેશી ફાઇટર જેટ પ્રોજેક્ટ્સ માટે પણ ઉપયોગી સાબિત થશે. આ ડીલથી ભારતના મેક ઇન ઇન્ડિયા અભિયાનને પણ વેગ મળશે.
રાફેલ વિમાનો અગાઉ પણ ભારત માટે ગેમ ચેન્જર પૂરવાર થયા છે. મે ૨૦૨૫માં થયેલા પહેલગામ આતંકી હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાન પર કરેલી કાર્યવાહી એટલે કે ઓપરેશન સિંદૂરમાં રાફેલનો સફળતાપૂર્વક ઉપયોગ થયો હતો. આ જેટ્સ એસસીએએલપી ક્રુઝ મિસાઇલ, મીટિઅર લાંબા અંતરની એર-ટુ-એર મિસાઇલ અને હેમર જેવા અત્યંત સચોટ પ્રહાર કરતા શસ્ત્રો વહન કરી શકે છે. તે ૨૫૦ કિમીથી વધુ દૂર રહેલા લક્ષ્યોને પણ સેકન્ડોમાં વીંધી શકે છે. વાયુસેના ઉપરાંત નૌસેના માટે પણ ૨૬ રાફેલ એમ (નેવલ વેરિઅન્ટ)નો ઓર્ડર પણ અપાયો છે, જે આઈએનએસ વિક્રાંત પરથી ઉડાન ભરી શકશે. તે ઉપરાંત એએસ-એચએપીએસ પ્લેટફોર્મ લશ્કરી એપ્લિકેશનો માટે સતત ગુપ્ત માહિતી, દેખરેખ અને શોધ, ઇલેક્ટ્રોનિક ગુપ્ત માહિતી, ટેલિકોમ્યુનિકેશન અને રિમોટ સેન્સિંગ માટે તૈનાત કરવામાં આવશે.
સંરક્ષણ મંત્રાલયે માત્ર રાફેલ જ નહીં, પણ સેનાના ત્રણેય પાંખ માટે કુલ રૂ. ૩.૬૦ લાખ કરોડના વિવિધ પ્રસ્તાવોને મંજૂરી આપી છે. જેમાં એન્ટિ-ટેન્ક માઇન્સ વિભાવ, પી-૮આઈ મેરીટાઇમ રિકોનિસન્સ એરક્રાફ્ટ અને અદ્યતન રડાર સિસ્ટમ્સનો સમાવેશ થાય છે. હવે આ તમામ પ્રસ્તાવોને અંતિમ મંજૂરી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિ સમક્ષ મોકલવામાં આવશે.
હાલ ભારતમાં રાફેલ ફ્લીટ અને નેવલ વેરિઅન્ટ કયા છે?
હવાઈ દળ હાલમાં બે સ્ક્વોડ્રનમાં ૩૬ રાફેલ એરક્રાફ્ટનું સંચાલન કરે છે. સી વેરિઅન્ટની છેલ્લી ડિલિવરી ડિસેમ્બર ૨૦૨૪માં થઈ હતી. ભારતે રૂ. ૬૩,૦૦૦ કરોડના સોદામાં ભારતીય નૌકાદળ માટે ૨૬ રાફેલ એમ વેરિઅન્ટ એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે. આ નૌકાદળના વિમાનો આઈએનએસ વિક્રાંત અને આઈએનએસ વિક્રમાદિત્ય વિમાનવાહક જહાજાે પરથી સંચાલિત થશે. તે કરારમાં જાળવણી, સમારકામ અને ઓવરહોલ વ્યવસ્થા હેઠળ કાફલાના જાળવણી, લોજિસ્ટિક્સ સપોર્ટ અને કર્મચારીઓની તાલીમ માટેની જાેગવાઈઓનો સમાવેશ થાય છે.
ડીલ અંતર્ગત ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ શું કામગીરી કરશે?
ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ ફ્રેન્ચ ફાઇટરના મુખ્ય માળખાકીય વિભાગોના ઉત્પાદન માટે હૈદરાબાદમાં એક અત્યાધુનિક ઉત્પાદન સુવિધા સ્થાપિત કરે તેવી અપેક્ષા છે, જેમાં પાછળના ફ્યુઝલેજના લેટરલ શેલ, સંપૂર્ણ રીઅર સેક્શન, સેન્ટ્રલ ફ્યુઝલેજ અને ફ્રન્ટ સેક્શનનો સમાવેશ થાય છે. પ્રથમ ફ્યુઝલેજ સેગમેન્ટ્સ ૨૦૨૮માં ઉત્પાદન લાઇનથી શરૂ થશે.