અરવલ્લી,તા.૬ 

અરવલ્લી જિલ્લામાં કોરોનાનું હબ બની રહ્યું છે. જિલ્લામાં કોરોનાના વધી રહેલા કેસના પરિણામે વહીવટી તંત્ર હાંફી રહ્યું છે. જિલ્લામાં ટોચના તમામ અધિકારીઓનું પ્રથમ પોસ્ટિંગ હોઈ વાસ્તવિક અનુભવની ઉણપ વર્તાતા જિલ્લાની જનતા ભયના ઓથાર તળે ભગવાન ભરોસે જીવી રહી છે. આજે પણ બે દર્દીઓ પોઝિટિવ આવતા કુલ ૨૫૧ કેસ અને કુલ ૨૬ના મોત સાથે રાજ્યમાં પાંચમા ક્રમે આવી ગયું છે.અરવલ્લી જિલ્લામાં વધુ ચાર દર્દીઓને રજા આપવામાં આવતા કુલ ૧૮૫ લોકો સ્વસ્થ્ય થઇ ઘરે પરત ફર્યા છે. જ્યારે જિલ્લામાં કુલ ૧૦૦૪ લોકોને હોમ કોરોન્ટાઇ કરવામાં આવ્યા છે. અરવલ્લી જિલ્લામાં કોરોના વાયરસનો વ્યાપ શહેર અને ગ્રામિણ વિસ્તારમાં જોવા મળતા જિલ્લામાં કોરોનાનો આંક ૨૫૧ને પાર પંહોચી ગયો છે. જયારે શહેરમાં ૧૦૦થી વધુ કેસ નોંધાયા છે. જેને લઇ આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વે હાથ ધર્યો છે.અરવલ્લીમાં આજે એક વધુ મોત સાથે કુલ ૨૬ના મોત થયાં છે.મોડાસા શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધુ જોવા મળતા આ વિસ્તારોને કન્ટેન્ટમેન્ટ ઝોન હેઠળ આવરી લઇ આરોગ્યની ટીમ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં નિયંત્રણ હેઠળના વિસ્તારોમાંથી ૧૬ લોકોમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણ જણાતા હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. જયારે જિલ્લામાં હાલ કુલ ૧૦૦૪ લોકો હોમકોરોન્ટાઇન છે.જિલ્લામાં હાલ બાયડની વાત્રક હોસ્પિટલમાં ૮ તેમજ મોડાસા કોવિડ હોસ્પિટલમાં ૨૫ લોકો કોરોનાની સારવાર હેઠળ છે. જયારે હિંમતનગર અને અમદાવાદ સિવીલ હોસ્પિટલમાંથી એક- એક અને મોડાસામાંથી બે એમ મળી કુલ ૪ લોકો સાજા થતા રજા આપવામાં આવતા જિલ્લામાં કુલ ૧૮૫ લોકો સ્વસ્થ્ય થઇ સ્વગૃહે પરત ફર્યા છે.