અરવલ્લી-

ભારતીય જનતા પાર્ટીને કેડરબેઝ કે શિસ્તબદ્ધ પાર્ટી ગણવામાં આવે છે. પરંતુ ૨૦૧૪માં નરેન્દ્ર મોદી ગુજરાતની ગાદી છોડી દિલ્હી ગયા બાદ ગુજરાતમાં ભાજપની પ્રતિષ્ઠા ધોવાયાના હોવાના અનેક બનાવો સમયાંતરે બહાર આવતા રહે છે. ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ હોદ્દો મળ્યા પછી મનમાની કરતા હોવાનો આક્ષેપ લગાતાર ઉઠી રહ્યા છે રાજ્યમાં છાસવારે ભાજપના મંત્રીથી લઇ સંત્રી સામે લેટર બૉમ્બ બહાર આવતા હોય છે. ત્યારે અરવલ્લી જીલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ સામે ધનસુરા તાલુકાના મહામંત્રી નરેન્દ્ર પટેલે મનસ્વી રીતે વર્તી રહ્યા હોવાની સાથે કોંગ્રેસના સંકલનમાં રહી કામગીરી કરતા હોવાના આક્ષેપ સાથે પ્રદેશ મહામંત્રી અને જીલ્લા પ્રભારી મંત્રીને લેખીત રજુઆત કરી હોવાનો પત્ર સોશ્યલ મીડિયામાં વાયરલ થતા જીલ્લા ભાજપના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.


     આમ તો ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી હોવાના બણગા ફૂંકતી હોય છે, પરંતુ ભાજપના જ નેતાઓ શિસ્તના લીરેલીરા ઉડાવતા હોય તેવા બનાવો એક પછી એક સામે આવી રહ્યા છે. અરવલ્લી ભાજપમાં આંતર કલહ સામે આવ્યો છે. જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ મનમાની કરતા હોવાનો આક્ષેપ લાગ્યો છે.અરવલ્લી ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ કોંગ્રેસના સંકલનમાં હોવાનો અને ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણી લડવા માંગતા હોય તે રીતે તેમના માણસોને ગોઠવી રહ્યા છે અને પાયાના કાર્યકરોની અવગણના કરવામાં આવતી હોવાનો પણ આક્ષેપ ધનસુરા તાલુકા ભાજપના મહામંત્રીએ લગાવ્યો છે. ધનસુરા તાલુકા ભાજપ મહામંત્રી નરેન્દ્ર પટેલે જીલ્લા ભાજપ પ્રમુખ વિરુદ્ધ સનસનાટી ભર્યો આક્ષેપ કરવાની સાથે પ્રદેશ મહામંત્રીને પત્ર લખી જાણ કરી છે જેમાં જીલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ તમારાથી થાય એ કરી લેવું ત્રણ વર્ષ માટે જિલ્લાનો હું જ બોસ છું પ્રદેશમાં રજુઆત કરવી હોય તો કરી શકો છો મને કોઈ ફર્ક પાડવાનો નથી પત્રમાં જે આક્ષેપ કરવામાં આવ્યા છે તેના પરથી અનેક સવાલો ઉઠી રહ્યા છે. શું આવી દાદાગીરી જીલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ કાયમ કરે છે.? શું જીલ્લા સંગઠન પ્રદેશ નેતાગીરીના કહ્યામાં નથી? પત્રમાં જે આક્ષેપ કરવામાં આવ્યા છે તેના પરથી અનેક સવાલો ઉઠી રહ્યા છે.