નારોલ અને મણિનગરમાં નજીવી બાબતે સશસ્ત્ર મારામારી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, મે 2026  |   3069

શહેરના પૂર્વ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ ગુનાખોરીના ગ્રાફમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરના નારોલ અને મણિનગર વિસ્તારમાં મારામારીની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે, જેમાં સામાન્ય અકસ્માત અને પૈસાની ઉઘરાણી જેવી નજીવી બાબતે તીક્ષ્ણ હથિયારો અને લાકડીઓ વડે હુમલા કરવામાં આવ્યા હતા. નારોલ વિસ્તારમાં આવેલા બાગે શિફા રો-હાઉસ ખાતે ગત ૨૯ એપ્રિલના રોજ રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ એક સામાન્ય અકસ્માતની ઘટના બની હતી. સોસાયટી પાસે બે અજાણ્યા વ્યક્તિઓ વચ્ચે થયેલા અકસ્માતમાં આયેશાબાનુનો ભત્રીજાે ઓસામા વચ્ચે પડ્યો હતો. આ સમયે ત્યાં હાજર રહેલી શબનમબાનુએ ઓસામાને વચ્ચે પડવાની ના પાડતા મામલો ગરમાયો હતો.ઉશ્કેરાયેલા ઓસામાએ શબનમબાનુને ગાળાગાળી કરી હતી. ત્યારબાદ આયેશાબાનુએ ફોન કરીને તેના પુત્ર રેહાન, પતિ સાજીદ અને અન્ય ૧૦ થી ૧૫ સાગરીતોને લાકડીઓ અને ડંડા સાથે બોલાવી લીધા હતા. આ ટોળાએ શબનમબાનુ, તેની બહેન હુસેનાબાનુ અને પાડોશી મુવીનાબાનુ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ત્રણ મહિલાઓને ઈજાઓ પહોંચી હતી. ઘટનાની ગંભીરતા જાેઈ સ્થાનિકોએ ૧૧૨ નંબર પર ફોન કરતા નારોલ પોલીસની ગાડી તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ચોંકાવનારી બાબત એ છે કે પોલીસની હાજરી હોવા છતાં અસામાજિક તત્વો લાકડીઓ લઈને હુમલો કરવા જઈ રહ્યા હતા, જેમને પોલીસે મહામુસીબતે અટકાવ્યા હતા. ભોગ બનનાર મહિલાએ આક્ષેપ કર્યો હતો કે હુમલો કરનાર આયેશા અગાઉ પણ દારૂ અને ગાંજાના ધંધામાં સંડોવાયેલી છે અને અગાઉ પણ આવા ત્રણ બનાવો બની ચૂક્યા છે. બીજી તરફ, મણિનગર વિસ્તારમાં પૈસાની ઉઘરાણી બાબતે મારામારી થઈ હતી. માતુલ પંડ્યા નામના યુવકના સંબંધીની દુકાને ચાર શખ્સો ઉઘરાણી માટે આવ્યા હતા. આ શખ્સોએ ગાળાગાળી કરી છરી અને ચપ્પુ વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ યુવકના સંબંધી અને પિતાને ધક્કો મારી પછાડી દીધા હતા. નારોલ પોલીસે આ મામલે બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધી ૪ થી ૫ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. જ્યારે મણિનગર પોલીસે પણ હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સામાન્ય બાબતોમાં જે રીતે હથિયારો ઉછળી રહ્યા છે તે જાેતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution