વડોદરા, તા. ૬

દેશભરમાં ચકચાર જગાડનારા રાજ્યની જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીક કરવાના કૈાભાંડમાં રાજયની એટીએસની ટીમે પેપર લીક કાંડના મુખ્ય સુત્રધાર સહિત આંતરરાજ્ય ગેંગની ધરપકડ બાદ હવે પરીક્ષામાં પાસ થવા માટે નાણાં આપીને પેપર ખરીદનાર સાત યુવતીઓ સહિત ૩૦ પરીક્ષાર્થીઓની પણ વિવિધ સ્થળેથી ધરપકડ કરતાં ચકચાર મચી છે. ધરપકડ કરાયેલા તમામ આરોપીઓને આજે વડોદરાની કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા જયાં તમામને જ્યુડીશ્યલ કસ્ટડી હેઠળ જેલભેગા કરવાનો આદેશ થયો હતો.

રાજયમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગત ૨૯મી જાન્યુઆરીએ જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરાયું હતું પરંતું પરીક્ષાના ગણતરીના કલાકો પહેલા રાજયની એટીએસની ટીમે આ પરીક્ષાનું પેપર લીક કરવાના કૈાભાંડનો પર્દાફાશ કરી વડોદરાની સ્ટેકવાઈઝ ટેકનોલોજીના સંચાલક ભાસ્કર ચૈાધરી તેમજ પેપર જ્યાં છપાયેલું તે હૈદ્રાબાદની કે.એલ.હાઈટેક પ્રિન્ટીંગ પ્રેસના કર્મચારીઓ સાથે સુરત,અમદાવાદ,સાબરકાંઠા અને બિહારના એજન્ટો સહિત ૧૯ આરોપીઓની ધરપકડ કરી તમામને જેલભેગા કર્યા છે. કૈાભાંડના પર્દાફાશના પગલે પરીક્ષા અચાનક રદ કરવામાં આવતા રાજ્યભરમાં ભારે હોબાળો મચ્યો હતો. આ જ પરીક્ષા હવે બે દિવસ બાદ ૯મી તારીખે યોજાનારી છે તેના ગણતરીના કલાકો પહેલા એટીએસની ટીમે ફરી આ કૈાભાંડમાં સંડોવાયેલા વધુ આરોપીઓની ધરપકડ કરી હતી.

એટીએસની ટીમે અગાઉ ધરપકડ કરેલા આરોપીઓની પુછપરછ કરી હતી જેમાં એવી વિગતો સપાટી પર આવી હતી કે પરીક્ષાની આગલી રાત્રે પેપરમાં પુછાનારા પ્રશ્નોની વિગતો આપવામાં આવનાર હતી જેની માટે કેટલાક ઉમેદવારો ૧૨થી ૧૫ લાખ રૂપિયા આપવાના હતા. પેપર લીક કરવા માટે ઠગ ટોળકીએ ૩૦ જેટલા પરીક્ષાર્થીઓ પાસેથી મેળવેલા પરીક્ષાના કોલલેટર, કોરા ચેક, અસલ સર્ટીફિકેટ પણ એજન્ટોના વાહનોમાંથી પોલીસે જપ્ત કર્યા હતા. આ પુરાવા અને ટેકનીકલ પુરાવાના આધારે એટીએસની ટીમે રાજયના વિવિધ સ્થળેથી સાત યુવતીઓ સહિત ૩૦ પરીક્ષાર્થીઓની આજે ધરપકડ કરી હતી. આ અંગે મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઈએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા તમામ ૩૦ પરીક્ષાર્થી આરોપીઓને આજે વડોદરાની કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓના રિમાન્ડની માગણી કરી નહોંતી કે કોઈ પરીક્ષાર્થીએ જામીન માટે પણ અરજ કરી ન હોઈ તમામ ૩૦ આરોપીઓને જ્યુડીશ્યલ કસ્ટડી હેઠળ જેલભેગા કરવામાં આવ્યા હતા.

પેપર લીક કાંડમાં એટીએસની ટીમે આજે ૩૦ પરીક્ષાર્થીઓની ધરપકડ કરતાં આંક ૪૯ ઉપર પહોંચ્યો

એટીએસની ટીમે આજે ૩૦ આરોપીઓ પરીક્ષાર્થીઓની ધરપકડ કરતા પેપર લીક કાંડમાં અત્યાર સુધી ધરપકડ કરાયેલા આરોપીનો આંક ૪૯ પર પહોંચ્યો છે. ભવિષ્યમાં કોઈ પરીક્ષાર્થી આવું પેપર લીક કાંડ ના આચરે તે માટે ધરપકડ કરાયેલા પરીક્ષાર્થીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવા માટે પણ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ અને અન્ય સત્તાધીશોને જાણ કરાઈ છે. ભવિષ્યમાં પણ રાજ્યના બુધ્ધિધન સાથે કોઈ અન્યાય ન થાય તે માટે ગુજરાત એટીએસે પોતે પ્રતિબધ્ધ હોવાનું જણાવ્યું હતું.

પકડાયેલા પરીક્ષાર્થી આરોપીઓની યાદી

ધ્રુવકુમાર ઉમેશભાઈ પટેલ (છોટાઉદેપુર), વિજય ગોવિંદભાઇ રાઠવા (છોટાઉદેપુર),નિમેષ જીતેન્દ્રભાઈ કોલચા (છોટાઉદેપુર), ત્રિકમ રમણભાઈ રાઠવા (છોટાઉદેપુર), સુનિલ પોપટસિંહ યાદવ (છોટાઉદેપુર),હાર્દિક કૃષ્ણકાંત બારીયા (છોટાઉદેપુર), દેવેન્દ્રસજનહ નરશીભાઈ રાઠવા (છોટાઉદેપુર), અરવિંદ વીંછીયાભાઈ ભોહા (દાહોદ), ચેતન ઈશ્વરભાઈ ત્રિવેદી (ગોધરા), ભાવેશ રમેશભાઈ બારીયા (દાહોદ),રાકેશ ગજસિંગભાઈ ડામોર (દાહોદ), લક્ષ્મણ મનસુખભાઈ હઠીલા (દાહોદ),અર્જુનસિંહ ભગતસિંહ ચૌહાણ (મહેસાણા), જયદીપ બાબુભાઇ ચૌધરી (ગાંધીનગર), હરિઓમ મનુભાઈ દેસાઈ (સાબરકાંઠા),વિપુલ કનુભાઈ દેસાઈ (સાબરકાંઠા),સંજય ગોમલાભાઈ સાંગડા (દાહોદ), રોહિત ગુમાનભાઈ વગીલા (દાહોદ),આકાશ અરવિંદભાઈ પટેલ (અરવલ્લી),ઉત્સવ નીતિનભાઈ પટેલ (અરવલ્લી), આકાશ જશુભાઈ પટેલ (અરવલ્લી),સ્મિત સુરેશભાઈ પ્રજાપતિ (ખેડા), જીગર પીઠભાઈ રામ (જૂનાગઢ),નિશા અરવિંદભાઈ પટેલ (મહેસાણા),દીપશિક્ષા પ્રકાશભાઈ પટેલ (અરવલ્લી),નિધિ જનકભાઈ પટેલ (સાબરકાંઠા), મિતલ અરવિંદભાઈ પટેલ (મહીસાગર),લક્ષ્મી બચુભાઇ રાઠોડ (દાહોદ), પ્રિયંકા કૃષ્ણકાંત બારીયા (છોટાઉદેપુર), રીના મોહનસિંહ બારીયા (દાહોદ)