ભોપાલ,તા.૯- 

મધ્ય પ્રદેશના ભોપાલ અને ઇન્દોરના એરપોર્ટ પરથી વિમાનનું અપહરણ કરીને પાકિસ્તાન લઇ જવાની ફોન પર ધમકી આપનારા વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે તેને ૧૦૦ કિલોમીટર દૂર શુજાલપુર કસ્બામાંથી પકડ્યો છે. યુવકની પૂછપરછ ચાલી રહી છે. આ વચ્ચે બન્ને એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.

ભોપાલના ગાંધીનગર પોલીસ સ્ટેશનના પ્રભારી અરૂણ શર્માએ કહ્યુ, “ભોપાલ એરપોર્ટ પર ફોન કરીને વિમાનનું અપહરણ કરી પાકિસ્તાન લઇ જવાની ધમકી આપનારા ૩૪ વર્ષના વ્યક્તિને શુજાલપુરથી પકડવામાં આવ્યો છે. યુવકની પૂછપરછ ચાલી રહી છે, તેમણે જણાવ્યુ કે તપાસમાં મળેલા તથ્યો બાદ યુવકની ધરપકડ કરવામાં આવી શકે છે.

ભોપાલના રાજા ભોજ એરપોર્ટ પર મંગળવાર લગભગ પાંચ વાગ્યે ફોન કરીને ભોપાલ અને ઇન્દોરના એરપોર્ટ પરથી વિમાનનું અપહરણ કરી પાકિસ્તાન લઇ જવાની ધમકી આપવામાં આવી હતી. તે બાદ એરપોર્ટ મેનેજમેન્ટ દ્વારા ફરિયાદ ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. ભોપાલ એરપોર્ટની સુરક્ષા સાથે જાેડાયેલા એક અધિકારીએ જણાવ્યુ કે વિમાન અપહરણની ધમકીનો ફોન આવ્યા બાદ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. બીજી તરફ એરપોર્ટ મેનેજમેન્ટના એક અધિકારીએ જણાવ્યુ કે કાલ મોડી સાંજે ભોપાલથી મુંબઇ જતી ફ્લાઇટની તપાસ બાદ તેને રવાના કરવામાં આવી હતી.