વડોદરા, તા. ૨૪

હરણી વિસ્તારમાં આવેલ એક સોસયટીમાં યુવાન દંપતિએ પોતાના ઘરમાં દારૂ અને નોનવેજની પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં દંપતિની ત્રણ બહેનપણીઓને પણ પાર્ટીમા બોલાવામાં આવી હતી. આ પાર્ટીમાં દંપતિ વચ્ચે ઝઘડો થતા સમગ્ર મામલો હરણી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો. જેથી હરણી પોલીસે નશામાં ઘૂત ત્રણ મહિલાઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પોલીસમાં નોંધાયેલી ફરિયાદમાં હરણી પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે સમયે કંટ્રોલરૂમમાં વર્દી મળી હતી કે, શહેરના હરણી વિસ્તારમાં આવેલ હરણી પાર્ટી પ્લોટની પાછળ આવેલ અભિષેક વિલાના ગેટ પાસે ત્રણ યુવતિઓનો નશામાં ધુત દારૂપીને જાેરશોરથી બુમાબુમ કરીને ઝઘડો કરી રહી છે. જેના આધારે હરણી પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે જઇ તપાસ કરતા ત્રણ યુવતીઓ મળી આવી હતી. જેમાં યુવતિઓએ જણાવ્યું હતું કે, વિલામાં રહેતા માં યુવાન દંપતિ કે જેઓ હાલ અભ્યાસ પણ કરે છે. મંગળવારે તેઓએ પોતાના ઘરમાં દારૂ અને નોનવેજ પાર્ટીનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં નોનવેજ ખાવા દંપતિ દ્વારા વાઘોડીયા અને આજવા રોડ ઉપર રેહતી તેમની બહેનપણીને પણ બોલાવવામાં આવી હતી. દારૂ અને નોનવેજ પાર્ટી બાદ ત્રણે મહિલાઓ વચ્ચે કોઇ કારણોસર ઝઘડો થવા પામ્યો હતો. ત્રણે મહિલાઓ વચ્ચે થયેલા ઝઘડાનો અવાજથી વિલામાં પ્રસરતા વિલાના રહીશો દ્વારા તેમણે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ વિલાના લોકોની વાત સમજવાને બદલે તેઓ સાથે પણ ઝઘડો કરીને તેમણે પણ અપશબ્દો બોલ્યા હતાં. જેથી સમગ્ર મામલાની જાણ વિલાના રહીશ દ્વારા પોલીસ કંટ્રોલમાં કરવામાં આવી હતી. હરણી પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. વિલાના લોકો સાથે ઝઘડો કરી રહેલી અને નશામાં ધૂત ત્રણ યુવતી મળી આવતા ત્રણેય મહિલાઓને હરણી પોલીસ સ્ટેશન ખાતે લઇ આવ્યા હતાં. જાેકે મોડી સાંજે બનેલા આ બનાવના પગલે હરણી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. હરણી પોલીસે ત્રણેય મહિલાઓ સામે પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.