વડોદરા : માંજલપુર વિસ્તારમાં રહેતી અને એકલવાયુ જીવન ગાળતી વૃધ્ધાની શિનોર પાસે આવેલા નાનાકરાળા ખાતે આવેલી વડીલોપાર્જીત જમીનને સગા ભત્રીજા અને તેના સાગરીતે પચાવી પાડતા આ બંને વિરુધ્ધ જિલ્લા પોલીસ દ્વારા પ્રથમવાર શિનોર પોલીસ મથકમાં લેન્ડગ્રેબીંગના કાયદા હેઠળ ગુનો નોંધી બંનેની ધરપકડ કરાઈ હતી. 

માંજલપુરમાં સનસિટીમાં રહેતા ૬૫ વર્ષીય વિમળાબેન જશભાઈ પટેલના પતિનું ગત ૧૯૯૪માં અવસાન થયુ છે તેમજ ત્રણ સંતાનો પૈકી બે પુત્રીના લગ્ન થઈ જતા અને એકના એક અપરિણીત પુત્ર જીતેન્દ્રનું પણ અકસ્માતમાં મરણ થતાં તે હાલમાં એકલવાયુ જીવન ગાળે છે. તેમના સસરાની નાના કરાળા ગામે વડીલોપાર્જીત જમીન આવેલી છે જેનો વહેચણી લેખના આધારે તેમના ભાગે આશરે અઢી વિઘા જમીન આવી છે. તેમના ભાગની જમીન તેમણે તેમના સગા ભત્રીજા રાજેન્દ્ર ઈશ્વરભાઈ પટેલ (નાનાકરાળા ગામ, તા.શિનોર)ને નવેક વર્ષ અગાઉ ખેતી કરવા માટે આપી હતી. તેમના ભાગની જમીન પુત્ર જીતેન્દ્રના નામ પર ચાલતી હતી જેથી તેમણે આ જમીનમાં તેમની બંને પરિણીત પુત્રીઓના નામ દાખલ કરાવવા માટે કાર્યવાહી કરતા તેમના ભત્રીજા રાજેન્દ્રએ વાંધો ઉઠાવતા આ મામલો શિનોરના મામલતદારની કચેરીમાં પહોંચ્યો હતો.

વિમળાબેનની જમીનમાં પુત્રનું નામ ચાલતુ હોવા છતાં રાજેન્દ્ર તેમજ તેમના પરિવારજનોએ વિમળાબેનની સંમતિ કે સહી લીધા વિના તેમની જમીનનો નાના કરાળા ગામમાં રહેતા કમલેશ હસમુખ પટેલને ગત એપ્રિલ-૨૦૧૪માં ગેરકાયદે બાનાખત કરી આપ્યો હતો. આ કેસ ચાલી જતા રાજેન્દ્રએ તેના હક્કો જતા કર્યા હતા અને આ જમીનમાં તેમની બંને પુત્રીઓના નામ દાખલ થયા હતા. જાેકે આ જમીનનો કબજાે કમલેશ પટેલ પાસે હોઈ તેણે મકાઈનું વાવેતર લણી લીધા બાદ જમીનનો કબજાે સોંપવા ખાત્રી આપી હતી પરંતું તેમ છતાં તેણે જમીનનો કબજાે નહી આપતા આ બનાવની વિમળાબેને શિનોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રાજેન્દ્ર પટેલ અને કમલેશ પટેલ વિરુધ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદા હેઠળ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી.