પૂર્વ વિસ્તારમાં ‘કૃત્રિમ’ દુષ્કાળ!

વડોદરા, તા.૨૯

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આજવા સરોવરથી પાણી પૂરવઠો પૂરો પાડવામાં આવે છે. બુધવારે રાત્રે આજવા સરોવરથી આવતી પાણીની ૧૫૦૦ મી.મી.ની મુખ્ય ફીડર લાઇનનો રવાલ ગામ પાસેનો એરવાલ્વ તૂટી જતાં સમગ્ર પૂર્વ વિસ્તારમાં હજુ તો ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો કકળાટ સર્જાયો હતો. ગુરુવારે અને આજે પણ સવારે પાણી નહીં મળતાં ગરમીમાં લોકો પાણી વીના પરેશાન થયા હતા. પાણી નહીં મળતાં વિવિધ વિસ્તારમાં લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. લોકોએ પાણીના જગ, ખાનગી ેટન્કરો, ફાયર બ્રિગેડની ટેન્કરો મગાવીને દિવસ પસાર કરવાનો વખત આવ્યો છે. આજવા ફીડર લાઈન પર તૂટી ગયેલા એર વાલ્વના રીપેરીંગની કામગીરી ગત મધરાત્રે ૨ઃ૩૦ વાગ્યાની આસપાસ પૂર્ણ થઈ જતાં રાતથી જ ફીડર લાઈન ચાર્જ કરીને પૂર્વની વિવિધ ટાંકના સંપમાં પાણી ભરવાની શરૂઆત કરાઈ હતી. જાેકે આજે સાંજના સમયે પૂર્વ વિસ્તારની ૭ ટાંકી અને પાંચ બુસ્ટર હેઠળના વિસ્તારોમાં ઓછા પ્રેશરથી તેમજ નિર્ધારિત સમય કરતાં ઓછો સમય પાણી વિતરણ કરવામાં આવ્યંુ હતંુ. આવતીકાલે સવારથી રાબેતા મુજબ પાણી મળશે, તેમ પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતંુ.

મ્યુનિ. કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગ દ્વારા મહિસાગર સ્થિત ફાજલપુર રાયકા-દોડકા ખાતે ઇન્ટરલિંકીંગની કામગીરી તેમજ ફીડર લાઈનના લીકેજ રીપેરીંગની કામગીરી માટે પૂર્વ, ઉત્તર અને પશ્ચિમના કેટલાક વિસ્તારમાં તા.૨૭મી સાંજે પાણી આપવામાં આવશે નહીં અને તા.૨૮ મીના રોજ સવારે હળવા દબાણથી પાણી મળશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન બુધવારે રાત્રે આજવાથી નિમેટા આવતી ૧૫૦૦ મી.મી.ની મુખ્ય ફીડર લાઈનમાં રવાલ ગામ નજીક એર વાલ્વ તૂટી પૂર્વ વિસ્તારના લોકોને છેલ્લા બે દિવસ થી પાણીનો કકળાટ સર્જાતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.

આજે પણ સવારના સમયનું પાણી વિતરણ નહીં કરાતાં સમગ્ર પૂર્વ વિસ્તારમાં લોકો પરેશાન થઈ ગયા હતા. કોઇએ પાલિકાના પાણી પૂરવઠામાંથી તો કોઇએ પૈસા ભરીને ફાયર બ્રિગેડની તો કોઇકે ખાનગી પાણીની ટેન્કરો મગાવી હતી. જ્યારે અનેક લોકોએ પાણીના જગો મગાવવાની ફરજ પડી હતી. જાેકે, સાંજના સમયે પૂર્વના જે ૫ વાગ્યા થી રાત્રીના ૧૦ વાગ્યા સુધીના ઝોન છે. તેમાં ઓછા પ્રેશર અને ઓછો સમય પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતંુ. આવતીકાલે સવારથી પાણી પૂરવઠો પૂર્વવત થઈ જશે, તેમ પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતંુ.


આજવા રોડ ટાંકી પર ફાયરની ટેન્કર પર પથ્થરમારો

શહેરના આજવારોડ સરદાર એસ્ટેટ પાસેની ટાંકી પર ફાયર વિભાગની ટેન્કરો પાણી ભરતી હતી. દરમિયાના પાણીની સમસ્યા થી ત્રસ્ત મહિલાઓ સહિત રહીશોનો મોરચો ટાંકી પર પહોંચી ગયો હતો. અને અમારા વિસ્તારમાં પાણી નથી તો આ ટેન્કરો તેમના વિસ્તારમાં પહોંચાડવાની માગ કરી હતી. જાેકે, ટાંકી પર હાજર કર્મચારીએ જેમણે ઓનલાઈન બુકીંગ કરાવીને પૈસા ભર્યા છે.તેમને પ્રાયોરીટી આપીને પાણીની ટેન્કરો દ્વારા ત્યાં પાણી પહોંચાડવાનુ હોવાનું જણાવી તમે પૈસા ભર્યા નથી તમે પણ ટેન્કર માટેની રકમ ભરીદો તેમ કહ્યુ હતુ. જાેકે, પાણીની સમસ્યા થી ત્રસ્ત રહીશોએ આજવા ટાંકી ખાતે ફાયરની ત્રણ ટેન્કર રોકીને ઉપર ચઢી ગયા હતા. અને પથ્થરો ફેંક્યા હતા. જાેકે, આ અંગેની જાણ થતા ફાયર વિભાગના અધિકારી સ્થળ પર પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો.

 ફાયર વિભાગના પાણીના ટેન્કરોની માગ વધી

શહેરના પૂર્વ વિસ્તારમાં બે દિવસ થી પાણી વિતરણ નહી થતા પરેશાન થયેલા લોકોએ પાણીની વ્યવસ્થા માટે દોડધામ કરી હતી.સામાન્ય રીતે ફાયર વિભાગના પાણીના ટેન્કરોની માંગ સરેરાશ માંગ ૩૦ જેટલા ટેન્કરોની હોય છે. પરંતુ છેલ્લા બે દિવસ થી આ માંગ એકાએક વધી જતા ફાયર વિભાગને પણ પાણીની ટેન્કરો પહોંચાડવામાં મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.ગઈકાલે ટેન્કરોનુ બુકીંગ કરાવનાર ૫૧ સ્થળે પાણી પહોંચાડવામાં આવ્યુ હતુ. જ્યારે આજરોજ સવાર થી મોડી સાંજ સુધીમાં ફાયર વિભાગ પાસે જે પંમ્પ વાળી નાની ૩ હજાર લીટરની ૩ ગાડી છે.ઉપરાંત ૧૦ હજાર લિટર ની ૪ ટેન્કરો છે. તેમજ ૧૦ હજાર લિટરની ૯ સાદી ટેન્કરો દ્વારા ૭૦ ફેરા કરીને પાણીનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

મોકો જાેઈ ખાનગી પાણીના ટેન્કરોએ લોકો પાસે બેફામ રૂપિયા વસૂલ્યાં!!

પૂર્વ વિસ્તારને ત્રણ દિવસથી પાલિકાનું પાણી ન મળતાં તેનો લાભ પાણીનો વ્યવસાય કરતા ખાનગી ટેન્કરોના માલિકોએ લીધો હતો અને આડેધડ ભાવ વસૂલવાની શરૂઆત કરી દીધી હતી. સામાન્ય દિવસોમાં ૪ હજાર લિટર પાણીના ૬૦૦ રૂપિયા લેતાં હતા, તેમાં ભાવ વધારો કરી ૮૦૦ થી ૧૦૦૦ લેવાનું શરૂ કરી દીધું છે. ઉપરાંત આરઓના સંચાલકો દ્વારા પાણીના જગો ભરીને વિવિધ વિસ્તારોમાં શાકભાજીની જેમ વેચવા માટે નીકળી પડ્યા હતા.

ઠેકરનાથના રહીશો પાણીની સમસ્યાથી ત્રાહિમામ

શહેરના પૂર્વ વિસ્તાર ઠેકરનાથ મહાદેવ મંંદર પાસે આવેલ હરિકૃપા સોસાયટીમાં કેટલાક સમય થી પીવાના શુદ્ધ પાણીની સમસ્યાનુ નિરાકરણ નહી આવતા રહીશો દ્વારા તંત્ર સામે પોતાનો રોષ વ્યક્ત કરીને માટલા ફોડીને વિરોધ કર્યો હતો.

શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ ઠેકરનાથ મહાદેવ મંદિર પાસે આવેલી હરિકૃપા સોસાયટીના રહીશોની શુદ્ધ પાણીની સમસ્યાનુ નિરાકરણ નહી આવતા આજે માટલા ફોડી, પાણી આપો... પાણી આપો...ના સૂત્રોચ્ચાર સાથે તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. સ્માર્ટસિટીમાં હેન્ડપંપ પર લાઇનો પડી! પાણીપત પણ ખેલાયું!!

પાણીનું વિતરણ નહીં થતાં સ્માર્ટસિટીના અનેક વિસ્તારના લોકોએ પાલિકા તંત્ર સામે રોષ ઠારવ્યો હતો. અને જે સ્થળે પાલિકા દ્વારા હેન્ડ પંપો મૂકવામાં આવ્યા છે ત્યાં કારબા લઈને લોકોએ પાણી ભરવા માટે ભર તડકામાં લાઈન લગાવી હતી. કેટલાક તો થ્રી વ્હીલ સાયકલ પર કારબા લઈને હેન્ડ પમ્પો પર પાણી ભરવા આવેલા પણ જાેવા મળ્યા હતા.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution