/
આડેધડ ગ્રામ્ય વિસ્તારોમાં ડેપ્યુટેશન પર મોકલવામાં આવતાં સ્ટાફની સ્થિતિ જૈસે-થે

વડોદરા, તા.૨૭

સયાજી હોસ્પિટલમાં રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ૩૮ નવા મેડિકો લિગલ એમએલઓની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક હોસ્પિટલના તબીબી વહીવટમાં સરળતા રહે તે માટે કરવામાં આવી છે. પરંતુ તબીબોને આડેધડ ડેપ્યુટેશન પર મોકલવામાં આવતાં તેઓ મૂંઝવણમાં મુકાયા છે. સરકારનો એમએલઓ તબીબ નિમણૂકનો જે ઉદ્દેશ છે તે પરિપૂર્ણ થઈ રહ્યો નથી તેવા પ્રકારની ચર્ચા થઈ રહી છે.સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સરકારી હોસ્પિટલોમાં તબીબ વહીવટમાં સરળતા રહે તે માટે નવા તબીબો એમએલઓની નિમણૂક કરવામાં આવી છે. જે અંતર્ગત વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં ૩૮ જેટલા નવા તબીબ એમએલઓની નિમણૂક કરવામાં આવી છે. આ તમામ નવા એમએલઓને હોસ્પિટલના સિનિયર એમએલઓ પાસે ટ્રેનિંગ લીધા બાદ વહીવટમાં સરળતા રહે તેવા કામ સોંપવામાં આપવાને બદલે આરડીડીની ડિમાન્ડ અનુસાર આડેધડ સેન્ટ્રલ જેલ, કરજણ, રાજપીપળા, ડેડિયાપાડા વગેરે તાલુકા કક્ષાના સીએચસી, પીએચસી આરોગ્ય કેન્દ્રોમાં ડેપ્યુટેશન પર મોકલી આપવામાં આવી રહ્યા છે, જેના લીધે સયાજી હોસ્પિટલમાં દીવા તળે અંધારા જેવી સ્થિતિ સર્જાઈ છે.સયાજી હોસ્પિટલમાં નિમણૂક કરવામાં આવેલ ૩૮ જેટલા તબીબ એમએલઓ પૈકી પાંચ એમએલઓને સેન્ટ્રલ જેલ અને કરજણ, રાજપીપળા, ડેડિયાપાડા સહિત તાલુકાના હેલ્થ સેન્ટરોમાં ૧૦ તેમજ સયાજી હોસ્પિટલના એનસીઓ, સર્જિકલ આઈસીયુ, પીડિયાટ્રીક સહિત અન્ય વિભાગો વિભાજિત કરી ડેપ્યુટેશન પર મોકલી દેવાયા છે. સયાજી હોસ્પિટલના ર૪ કલાક કાર્યરત વિભાગમાં માત્ર ૬ એમએલઓ હોવાનું માહિતગાર સૂત્રો દ્વારા જાણવા મળેલ છે. કેટલાક એમએલઓ રજા ઉપર અને કેટલાક કોર્ટ કેસના કામે બહાર જતા રહેતાં હોસ્પિટલમાં એમએલઓ તબીબોની અછત વર્તાઈ રહી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution