અમદાવાદ

ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ ચંદ્રકાત મકવાણાની હત્યા કેસમાં આજે ગુરુવારે સેશન્સ કોર્ટે ચુકાદો આપતા હત્યારા મનિષ બલાઈને આજીવન કેદની સજા ફટકારી છે. સાથોસાથ 25 હજારનો દંડ અને આઈપીસીની કલમ 404 મુજબ 3 મહિનાની સજા અને રૂપિયા 2 હજારનો દંડ પણ ફટકાર્યો છે.

વર્ષ 2016માં ક્રાઇમ બ્રાંચના પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાની થયેલી હત્યા મામલે અમદાવાદ સિટી સેસન્સ કોર્ટે મનીષ બલાઈને દોષિત જાહેર કર્યો છે. આ કેસમાં છ વર્ષ બાદ નામદાર કોર્ટે આરોપી મનીષ બલાઈને દોષી જાહેર કર્યો છે. આ મામલે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યૂટર અમિત એમ. પટેલ જણાવ્યું હતું કે, સરકાર તરફથી આ કેસ સાબિત કરવામાં આવ્યો છે.

શું છે આખો મામલો?

20 એપ્રિલ, 2016ના રોજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં નાર્કોટિક્સના ગુનામાં મનીષ શ્રવણકુમાર બલાઈને લાવવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાંચની ઓફિસ ખાતે મનીષની પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ બાદ અધિકારીઓ ઘરે ગયા હતા જ્યારે મોડી રાત્રે ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેલબ ચંદ્રકાંત મકવાણા આરોપી મનીષની વૉચ રાખી રહ્યા હતા. આ દરમિયાન તકનો ગેરલાભ ઉઠાવીને આરોપી મનીષે પોલીસ કોન્સ્ટેબલના માથામાં પાઇપ મારી દીધી હતી.

પાઇટનો ફટકો વાગતો પોલીસ કોન્સ્ટેબલનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જે બાદમાં આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. હત્યા બાદ આરોપી ટ્રેન મારફતે વડોદરાના મિયાણી ભાગી ગયો હતો. જે બાદમાં પોલીસે મોબાઇલ ફોનના લોકેશનને આધારે તેની ધરપકડ કરી હતી.

આ પહેલાની સુનાવણી દરમિયાન પોલીસ જ્યારે આરોપીને કોર્ટ બહાર લઈ જતી હતી ત્યારે કેટલાક લોકોએ આરોપી મનીષને માર માર્યો હતો. પોલીસે વચ્ચે પડીને મનીષને બચાવ્યો હતો.