વડોદરા, તા.૨૮ 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છેલ્લા ચાર દિવસથી ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થયા બાદ રવિવાર રાતથી ઉત્તર તરફથી ઠંડા પવન તેજ ગતિએ ફૂંકાવાની સાથે લઘુતમ અને મહત્તમ તાપમાનનો પારો નીચે ગગડતાં દિવસ દરમિયાન ઠંડીના સપાટા સાથે લોકો ઠૂંઠવાયા હતા. આજે લઘુતમ તાપમાન ૪.૮ ડિગ્રીના ઘટાડા સાથે ૧૧.ર ડિગ્રી નોંધાયું હતું. તીવ્ર ઠંડીના સપાના કારણે સમા સાવલી રોડ ઉર્મી બ્રિજ પાસે ફૂટપાથ પર રહેતાં શ્રમજીવીનું મોત નિપજ્યું હતું.

ડિસેમ્બર મહિનાના પ્રારંભ સાથે વડોદરા સહિત સમગ્ર મધ્ય ગુજરાતમાં ઠંડીએ ધીમી ધીમી જમાવટ કરવાની શરૂઆત કરી છે. ડિસેમ્બરથી મધ્યમાં જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાની સીધી અસર હેઠળ વડોદરામાં પણ ઠંડીએ જમાવટ કરી હતી. પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છેલ્લા ચાર-પાંચ દિવસ ઠંડીમાં ઘટાડો થતાં લોકોએ થોડી રાહત અનુભવી હતી.

જાે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓસર્યા બાદ ફરી ઠંડી જમાવટ કરે તેવી હવામાન વિભાગે આગાહી કરી હતી. રવિવારે રાતથી તેજ ગતિએ ઠંઠા પવન ફૂંકાવાની સાથે ઉત્તર-પૂર્વ તરફથી ઠંડા પવન ફૂંકાયા હતા. મહત્તમ અને લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતાં તીવ્ર ઠંડીના સપાટાને પગલે લોકોને દિવસ દરમિયાન ગરમ વસ્ત્રો પહેરી રાખવાની ફરજ પડી હતી, જ્યારે રાત થતાં જ લોકોએ ઘરોના બારી-બારણાં બંધ કરી ઘરમાં જ રહેવાનું મુનાસીબ માન્યું હતું. હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આજે મહત્તમ તાપમાન ૩.૬ ડિગ્રીના ઘટાડા સાથે રપ.૬ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૪.૮ ડિગ્રીના ઘટાડા સાથે ૧૧.ર ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું હતું. સવારે હવામાં ભેજનું પ્રમાણ ૭૧ ટકા, જે સાંજે ર૩ ટકા અને હવાનું દબાણ ૧૦૧૩ મિલિબાર્સ અને ઉત્તર-પૂર્વ તરફ ફૂંકાયેલા પવનની ગતિ પ્રતિકલાકના ૧૧ કિ.મી. નોંધાઈ હતી.