આજવા રોડ લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતે ૬ જેટલા વિશાળ ડોમ ઊભા થશે

વડોદરા, તા.૮

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૧૮મીએ વડોદરાની મુલાકાતે આવનાર છે. ત્યારે વર્ષ ૨૦૧૪માં ભવ્ય વિજય બાદ તેમણે રોડ-શો યોજ્યો હતો. ત્યાર પછી ૮ વર્ષ બાદ તેમનો રોડ-શો વડોદરાનામાં યોજાનાર છે તેમજ આજવા રોડ લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતે જાહેર સભાને સંબોધન કરનાર છે. ત્યારે તંત્ર દ્વારા રોડ-શો અને જાહેર સભાસ્થળે પૂરજાેશમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. સભાસ્થળે વોટરપ્રૂફ જર્મન પદ્ધતિથી ૬ ડોમ ઊભા કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

વડોદરા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૧૮મીએ આવનાર છે. પાવાગઢ મહાકાળી માતાજીના દર્શન કરી તેઓ વડોદરા આવશે અને વડોદરા એરપોર્ટથી આજવા રોડ લેપ્રેસી ગ્રાઉન્ડ સુધી રોડ-શો નું આયોજન કરવામાં આવ્યું છે. જાે કે, બે પૈકી કયા રૂટ પર રોડ-શો થશે તે અંગે હજુ નિર્ણય કરાયો નથી. પરંતુ તંત્ર દ્વારા એરપોર્ટથી લઈને સભાસ્થળ સુધીના સમગ્ર રૂટ પર કાર્પેટિંગ, પેચવર્ક, રંગરોગાન સહિતની કામગીરી પૂરજાેશમાં ચાલી રહી છે. આજે પણ પાલિકા અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ રોડ-શો ના રૂટની મુલાકાત લઈને ચર્ચા-વિચારણા કરી હતી.

વડાપ્રધાન આજવા રોડ લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતે વિશાળ નારીશક્તિ સંમેલનને સંબોધન કરનાર છે. આ કાર્યક્રમમાં વડોદરા અને આસપાસના જિલ્લાઓમાંથી ૪ થી પ લાખ મહિલાઓ સહિત લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. ત્યારે તંત્ર દ્વારા લાખોની સંખ્યામાં જાહેરસભામાં આવનાર લોકો માટે કાર્યક્રમના સ્થળે વોટરપ્રૂફ જર્મન પદ્ધતિથી ૬ જેટલા વિશાળ ડોમ ઊભા કરવાનું આયોજન કર્યું હોવાનું જાણવા મળે છે. આમ, વડાપ્રધાનના આગમનને લઈને રોડ-શો અને કાર્યક્રમ સ્થળ લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.