વડોદરા, તા.૧૯

વડોદરા મહાનગરપાલિકાનું વર્ષ ૨૦૨૨-૨૩ના ડ્રાફ્ટ બજેટ અને વર્ષ ૨૦૨૧-૨૨ના રિવાઇઝ બજેટ અંગે છેલ્લા દસ-બાર દિવસથી ચીફ એકાઉન્ટન્ટ દ્વારા મહાનગરપાલિકાના વિવિધ વિભાગોના વડાઓ સાથે બેઠકોનો દોર આવતીકાલથી શરૂ થશે. બજેટ અંગે ડે. મ્યુનિ. કમિશનરના અધ્યક્ષસ્થાને આવતીકાલથી વિવિધ લાગતો પર ચર્ચા-વિચારણાઓ શરૂ થશે. જાે કે, છેલ્લા ચાર વર્ષથી વેરામાં કોઈ વધારો કરાયો નથી તેમજ આગામી વર્ષમાં કોઈ ચૂંટણી પણ નથી ત્યારે વેરા અને લાગતોમાં વધારો કરાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

વડોદરા મ્યુનિ. કોર્પોરેશનનું બજેટ પ્રતિ વર્ષ સામાન્ય રીતે ૨૦મી જાન્યુઆરી પહેલા વહીવટી વિભાગ તરફથી સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થાય છે, તેને ધ્યાનમાં રાખીને એકાઉન્ટ વિભાગ દ્વારા બજેટ અંગે તમામ વિભાગો સાથે પ્રથમ તબક્કાનો ચર્ચા-વિચારણાનો દોર પૂરો કર્યો છે. આ ચર્ચા-વિચારણામાં શહેરના ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એમ પાલિકાના ચારેય ઝોનના ડ્રેનેજ, રસ્તા, ફાયર, પાણી પુરવઠા, આકારણી, બાંધકામ સહિત તમામ વિભાગના વડાઓ સાથે ચીફ એકાઉન્ટન્ટ સહિત અન્યો દ્વારા બેઠકનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે.

આ ચર્ચા-વિચારણા દરમિયાન મ્યુ. કમિ. બચ્છાનિધિ પાનીએ પણ બેઠકમાં હાજરી આપી હતી અને દરેક વિભાગના વડાઓ પાસેથી ખર્ચ તેમજ આવકની વિગતો મેળવી હતી. મ્યુનિ. કમિ.એ મહાનગરપાલિકાની આવક કેવી રીતે વધે અને ખર્ચ કેવી રીતે ઘટે એ ઉપરાંત વડોદરાના નાગરિકોને વધારાનું નવું શું આપી શકાય? તેના પર ભાર મુક્યો હતો. આવતીકાલથી મહાનગરપાલિકાની લાગતો પર ચર્ચા-વિચારણાનો દોર શરૂ થશે, જેમાં કઈ લાગતો વધારી શકાય એમ છે કે પછી ઘટાડી શકાય છે એ અંગે પણ ચર્ચા-વિચારણાઓ શરૂ થશે.કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લે વર્ષ ૨૦૧૮-૧૯માં સફાઈ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ કોરોનાકાળ સહિત છેલ્લા ચાર વર્ષમાં વેરામાં કોઈ વધારો કરાયો નથી. ત્યારે આગામી વર્ષ ૨૦૨૩ ચૂંટણીનું વર્ષ નથી તેમજ વર્ષ ૨૦૨૪માં મે મહિનાની આસપાસ લોકસભાની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે આગામી બજેટમાં કેટલાક વેરા અને લાગતોમાં વધારો કરાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૮-૧૯ માં સફાઈ ચાર્જમાં વધારાની સાથે રહેણાંક તેમજ કોમર્શિયલ મિલ્કતોના સફાઈ ચાર્જ મિલકતના એરિયા મુજબ કરવામાં આવ્યો હતો. જ્યારે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩નું રૂા.૩૮૪૧ કરોડનું બજેટ રજૂ કરાયું હતું. પાલિકાની આવકમાં પણ વધારો થયો છે, ત્યારે આ વર્ષે આવકમાં વધારા માટે વધારાનો કરબોજ ઝીંકાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.