લોકસત્તા ડેસ્ક

તમારો ચહેરો તમારી ઉંમર વિશે જણાવી દે છે. જી હાં, વધતી ઉંમર સાથે ચહેરાની સ્કિન પર અસર દેખાવા લાગે છે. પરંતુ જો નાની ઉંમરમાં જ સ્કિન ખરાબ થવા લાગે અને ચેહરો ઉંમરલાયક દેખાવા લાગે તો તરત જ ધ્યાન આપવું જરૂરી છે. ત્વચા પરથી જ વધતી વયનો ખ્યાલ આવે છે. રંગ શ્યામ હોય કે ગોરો તેના કરતાં ત્વચાનાં સ્વાસ્થ્ય, કાંતિ, ચમકનું વધારે મહત્વ છે. ભરપૂર પાણી અને ફળ, ફળોનો જયૂસ, સૂપ અને લીલાં શાકભાજી ત્વચાને સ્વસ્થ રાખવામાં મોટો ભાગ ભજવે છે. આ ઉપરાંત, મગનો સમાવેશ પણ ભોજનમાં કરવાથી ઘણો ફાયદો થાય છે. તે વધતી વયની અસરને ઘટાડી ત્વચાને સુંદર રાખવામાં અત્યંત ઉપયોગી છે.

ઉંમર વધે એટલે તેની સૌપ્રથમ અસર હડપચી અને ગરદન પાસેની ત્વચા પર વર્તાય છે અને તે ઢીલી પડી જાય છે. ત્વચા ખેંચાયેલી રહે તે માટે નિયમિત કસરત અત્યંત જરૂરી છે. ગરદનની કસરત કરવા માટે ક્લોક વાઈસ અને એન્ટીક્લોક વાઈસ તમારી ગરદનને 30 વાર ફેરવો. પછી ઉપર નીચેની જોવાની એટલે કે આસમાન તરફ જોવું અને જમીન તરફ જોવું એક કસરત 30 વાર કરો. પછી લેફ્ટ અને રાઈટ જોવાની તમારી ગરદન મૂવ થાય એ રીતે 30 વાર કરો. ગાલ ભરાવદાર લાગે તે માટે મોંમાં હવા ભરી બંને ગાલ ફુલાવો. થોડી વાર પછી હવા કાઢી નાખો. આ રીતે દસ વાર કરો. 

કરચલીઓ થશે દૂર 

લીમડાની કૂંપળોની પેસ્ટ બનાવો. તેમાં એટલા જ પ્રમાણમાં સુખડનો પાઉડર ભેળવી લેપ તૈયાર કરો. આ લેપને ચહેરા અને ગરદન પર લગાવો. આંખોની આસપાસની ત્વચા પર તે લગાવવાનો નથી તેનું ધ્યાન રાખવું. લગભગ દસ મિનિટ રહેવા દીધા પછી હળવા હાથે ઘસીને ચહેરો અને ગરદન સાફ કરો અને ઠંડા પાણીથી ધોઇ નાખો. તે પછી ચહેરા પર મસૂરની દાળની પેસ્ટ લગાવો. આ પેસ્ટ તૈયાર કરવા માટે મસૂરની દાળને થોડી વાર દૂધમાં પલાળી રાખી તેની પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર લગાવો. આ ઉપાય ત્વચાને અનોખી સુંદરતા પ્રદાન કરશે. આ ઉપરાંત, મગ અને ચણાને ફણગાવીને ક્રશ કરી લો. આ મિશ્રણમાં ગુલાબજળ ભેળવી થોડી વાર માટે રહેવા દો. તે પછી આને પણ મસૂરની દાળની પેસ્ટની જેમ જ લગાવો. ધીરે ધીરે ચહેરા અને ગરદન પરની કરચલીઓ દૂર થઇ જશે. સાબુ કે ફેસવોશનો વધારે પડતો ઉપયોગ કરવાનું ટાળો 

પૂરતી ઊંઘ અને શાંત મન 

આટલા ઉપાયો અપનાવવા સાથે યોગ્ય દિનચર્યાનું પાલન કરવું પણ એટલું જ જરૂરી છે. દરેક કામ સમયસર કરવાની ટેવ પાડો. ખાસ કરીને સમયસર ઊંઘવાની અને પૂરતી ઊંઘ લેવી અત્યંત જરૂરી છે. આ ઉપરાંત, વારંવાર ગુસ્સો કરવો, ચીડિયો સ્વભાવ કે વધારે પડતો સ્ટ્રેસ પણ ત્વચાને ઉંમર કરતાં ઝડપથી પાકટ બનાવી દે છે. આથી મન શાંત રાખવાનો પ્રયત્ન કરો. હકારાત્મક વિચારસરણી અપનાવી કાયમ હસતાં રહો, યોગ અને ધ્યાન કરો. આ તમામ ઉપાય મન શાંત રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે.