વડોદરા, તા. ૧૫

હવામાન વિભાગ દ્વારા આગામી સોમવાર સુધી કમોસમી વરસાદની આગાહી જાહેર કરતા આજે સમગ્ર દિવસ દરમ્યાન વાદળછાયા વાતાવરણની સાથે રાત્રી દરમ્યાન વરસાદી છાંટાની સાથે વિજળીના ચમકારા પણ જાેવા મળ્યા હતા. છેલ્લા બે દિવસથી વાતાવરણમાં એકાએક પલટો આવવાના કારણે મહત્તમ તાપમાનમાં ત્રણ ડીગ્રી સેન્ટીગ્રેડ જેટલો ઘટાડો નોંધાયો હતો. વાતાવરણમાં બદલાવ આવવાના કારણે સંયુક્ત જીલ્લા ખેડૂત નિયામક દ્વારા ખેડૂતો માટે ટોલ ફ્રી નંબર અને સાવચેતી રાખવા માટેના સુચનો પણ જાહેર કર્યા હતા.

હવામાન વિભાગ દ્વારા આગામી તા. ૨૦ સુધી કમોસમી વરસાદની આગાહી જાહેર કરતા આજે દિવસ દરમ્યાન વાદળાં અને સૂર્યદેવ વચ્ચે સંતાકુકડીની રમત રમાઈ હતી. તે સિવાય આજે વિજળીના કડાકા અને ઠંડા પવનો સાથે વરસાદી છાંટા પણ વરસ્યા હતા. છેલ્લા એક મહિનામાં કમોસમી વરસાદની સમગ્ર રાજ્યમાં જાહેરાત કરાતા ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ હતું. જ્યારે બીજી તરફ રોગચાળાએ પણ માથું ઉચકતા વિવિધ ખાનગી અને સરકારી દવાખાનાઓમાં દર્દીઓની ભીડ જાેવા મળી હતી. તે સિવાય જીલ્લાના સંયુક્ત ખેતી નિયામક દ્વારા ખેડૂતો માટે સલામતીના પગલાં બહાર પાડયા હતા તેમાં તેઓએ જણાવ્યું હતું કે, પાક નુકશાનથી બચવા માટે પોતાના ખેત ઉત્સાદિત પાક , ખેતરમાં કાપણી કરેલાં પાક ખુલ્લામાં હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાના કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલા ફરતે માટીનો પાળો કરવા સહિતની સુચનાઓ આપી હતી. તે સિવાય એક ટોલ ફ્રી નંબર પણ જીલ્લા કક્ષાએ જાહેર કરવામાં આવ્યો છે. ખેડૂતો ૧૮૦૦૧૮૦૧૫૫૧ ટોલફ્રી નંબર પર સંપર્ક સાધીને વિવિધ પ્રકારની મદદ મેળવી શકશે. તે સિવાય આજે દિવસ દરમ્યાન ૩.૪ ડીગ્રી સેન્ટીગ્રેડ જેટલો ઘટાડો નોંધાવાની સાથે મહત્તમ તાપમાન ૩૪ ડીગ્રી સેન્ટીગ્રેડ જ્યારે લધુત્તમ તાપમાન ૨૧.૨ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ દિવસ દરમ્યાન ૫૩ ટકાની સાથે સાંજે ૪૫ ટકા નોંધાયું હતું. તે સિવાય હવાનું દબાણ ૧૦૦૮.૫ મીલીબાર્સની સાથે પશ્ચિંમ દિશા તરફથી આઠ કિં.મી.ની ઝડપે પવન ફૂકાંયા હતા.