અજય વાટેકર, તા. ૧૩

શહેરના એક પુર્વ વિસ્તારના સંવેદનશીલ પોલીસ મથકના કહેવાતા આશીક મિજાજ પીઆઈ પોતાના જ પોલીસ મથકની એક સ્વરૂપવાન મહિલા કોન્સ્ટેબલ પર ઓળધોળ થઈ તેને નિયમો નેવે મુકીને રજાઓ સાથે મહત્વની કામગીરીથી પણ બાકાત રાખતા પીઆઈ અને મહિલા કોન્સ્ટેબલના ઈલુ-ઈલુ સામે પોલીસ મથકના અન્ય કર્મચારીઓમાં ઉગ્ર રોષ ફેલાયો છે. આ અંગે તાજેતરમાં કંટાળેલી અન્ય એક મહિલા કોન્સ્ટેબલે એસીપીને ફરિયાદ કરી હતી પરંતું તેમ છતાં પીઆઈ અને મહિલા કોન્સ્ટેબલના સંબંધોમાં કોઈ ફરક નહી પડતા પીઆઈના પ્રેમના સાગરમાં છબછબિયા કરતી મહિલા કોન્સ્ટેબલની કરતુતો હાલમાં શહેર પોલીસ બેડામાં ચર્ચાના એરણે ચડી છે.

શહેરના પુર્વ વિસ્તારના એક આશિકમીજાજ પીઆઈ અને તેમના પોલીસ મથકની એક સ્વરૂપવાન મહિલા કોન્સ્ટેબલના કહેવાતા ઈલુ-ઈલુની ચર્ચાઓએ પોલીસ બેડામાં ચર્ચાઓ જગાવી છે. પીઆઈના પ્રેમના સાગરમાં છબછબિયા કરતી મહિલા કોન્સ્ટેબલની મનષાઓ પુરી કરવા માટે અન્ય પોલીસ જવાનો તેમાંય મહિલા કર્મચારીઓને ઘોર અન્યાય કરવામાં આવતા પોલીસ મથકના બાકીના સ્ટાફે પીઆઈ અને કોન્સ્ટેબલના કથિત ઈલુ ઈલુ સામે બંડ પોકારવાની શરૂઆત કરતા સમગ્ર મામલો પોલીસ બેડમાં ચર્ચાની એરણે ચડ્યો છે.

આ અંગે સુત્રોએ નામ નહી જણાવવાની શરતે આક્ષેપ કર્યો હતો કે પીઆઈ આ મહિલા કોન્સ્ટેબલ પર ઓળધોળ હોવાના કારણે તેને નોકરીના સમયમાં મનફાવે તેવી છુટછાટ મળી છે અને તે માત્ર હાજરી પુરાવવા માટે આવીને આંટાફેરા મારી રવાના થઈ જાય છે.એટલું જ નહી તેને કોઈ બંદોબસ્તથી અને નાઈટ ડ્યુટીથી પણ બાકાત રાખવામાં આવતી હોઈ આ અંગે પોલીસ મથકની અન્ય મહિલા કર્મચારીઓએ પીઆઈ સમક્ષ વિરોધ પણ કર્યો હતો. જાેકે પીઆઈએ તેઓની કોઈ વાત નહી સાંભળતા પોલીસ મથકની એક મહિલા પોલીસનો પિત્તો ગયો હતો અને તે અકળાઈને પોતાના ડિવિઝનના એસીપીની કચેરીમાં પહોંચી ગઈ હતી અને એસીપીને પીઆઈ-કોન્સ્ટેબલના કથિત ઈલુ-ઈલુનો ભાંડો ફોડી અન્ય પોલીસ જવાનોને થઈ રહેલા અન્યાયની ફરિયાદ કરી હતી.

મળતી વિગતો મુજબ આ ફરિયાદને એસીપીએ ગંભીરતાથી લઈ પીઆઈનો ઉઘડો પણ લીધો હતો અને પોતાના અંગત સંબંધોના કારણે અન્ય કર્મચારીઓને અન્યાય ના થાય તે માટે તાકીદ પણ કરી હતી પરંતું આશિક મિજાજ પીઆઈ એસીપીની સુચનાને પણ ધોળીને પી જતા પરિસ્થિતિમાં કોઈ ફરક પડ્યો નથી. જાેકે બીજીતરફ પીઆઈ-મહિલા કોન્સ્ટેબલના ઈલુ ઈલુથી કંટાળેલા જવાનોએ જ બંડ પોકારી ઉચ્ચાધિકારીઓ સામે રજુઆત કરવાની પણ તજવીજ હાથ ધરતા આ મામલો પોલીસ બેડામાં ચર્ચાના અરણે ચડ્યો છે.

ગરબા રમવા અને દિવાળીમાં શોપિંગ માટે છૂટ

નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારોમાં પોલીસ મથકના કોઈ પણ કર્મચારીઓને રજા આપવામાં આવી નહોંતી અને નવરાત્રિમાં તો મહિલા સહિત તમામ કર્મચારીઓની અલગ અલગ ગરબાના સ્થળોએ નાઈટડ્યુટી સોંપાઈ હતી. જાેકે પીઆઈની આ માનીતી કોન્સ્ટેબલને પીઆઈએ નાઈટડ્યુટીથી બાકાત રાખી ગરબા રમવા છુટ આપી હતી. એટલુ જ નહી દિવાળીના સમયે પણ પીઆઈ શોપીંગ માટે પણ વારંવાર રજા આપતા અન્ય પોલીસ જવાનોને ઘોર અન્યાય કર્યો હતો.

હાજરી માસ્તરનો પણ વહેતી ગંગામાં ડૂબકી મારવાનો પ્રયાસ

પીઆઈ સાથે સુંવાળા સંબંધો હોવાના કારણે મહિલા કોન્સ્ટેબલને પીઆઈ દ્વારા છુટછાટ આપવામાં આવતી હોઈ તેને હાજરી માસ્તર બંદોબસ્ત, નાઈટ ડ્યુટી અને અન્ય કોર્ટ જાપ્તા જેવી કામગીરીથી બાકાત રાખતો હતો. જાેકે તાજેતરમાં પીઆઈ રજા પર હોવા છતાં હાજરી માસ્તરે પણ મહિલા કોન્સ્ટેબલ સાથે ઘેરાબો વધારી તેને મહત્વની કામગીરીથી બાકાત રાખતા પીઆઈની ગેરહાજરીમાં વહેતી ગંગામાં હાથ ધોવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.