અમદાવાદ-

ગુજરાતની સરકાર રાજ્યમાં ભ્રષ્ટાચાર નહીં હોવાની વાતો કરે છે. પણ અવાર નવાર રાજ્યમાં ભ્રષ્ટાચારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. કોઈ પણ સામાન્ય વ્યક્તિ સરકારી કામ કરાવવા માટે જાય એટલે તેને સરકારી બાબુને લાંચ આપવી પડે છે. રાજ્યમાં લોકોનું રક્ષણ કરતી પોલીસ દ્વારા પણ ક્યારેક આરોપીઓ અથવા તો નિર્દોષ વ્યક્તિ પર કેસ ન કરવા માટે લાંચની માગણી કરવામાં આવતી હોવાના કિસ્સાઓ સામે આવે છે. પણ રાજ્યમાં આવા લાંચિયા અધિકારીઓની સામે ACB લાલ આંખ કરે છે. ત્યારે હવે તો એક આશ્રમ શાળાની આચાર્ય પણ લાંચ લેતા પકડાઈ હોવાનો કિસ્સો વ્યારામાં સામે આવ્યો છે. ACBએ આચાર્યને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથે ઝડપી પાડી હતી.

રિપોર્ટ અનુસાર વ્યારા તાલુકામાં આવેલા તાપીના સોનગઢના બોરકુવા ગામમાં આવેલી આશ્રમ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતી દમયંતી ચૌહાણ દ્વારા ફરિયાદીની પાસેથી સાતમાં અને પાંચમાં પગાર પંચના સ્ટીકરો મેળવીને પગારની ફાઈલ તૈયાર કરવા માટે અને સર્વિસબુકને સ્કેન કરવા માટે 20 હજાર રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. પણ ફરિયાદી આચાર્યને લાંચના પૈસા આપવા માટે તૈયાર ન હતા તેથી આ સામાગ્ર મામલે ફરિયાદીએ તાપી ACBને માહિતી આપી હતી. તેથી તાપીને ACBના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એસ. ચૌધરી દ્વારા એક છટકું ગોઠવવામાં આવ્યું હતું.