વડોદરા,તા.૩૦

વડોદરા શહેરના ખોડિયાર નગર વિસ્તારમાં પાલિકા દ્વારા પૂરતા પ્રેશરથી અને સમયસર પીવાનું પાણી નહીં અપાતા ચાર સોસાયટીના રહીશોએ ગત મોડી રાત્રે સયાજીપૂરા ટાંકી ખાતે હલ્લાબોલ કર્યો હતો.અને સૂત્રોચ્ચાર સાથે પૂરતા પ્રેસર થી પાણી આપવાની માંગ કરી હતી.

રહિશો જ્યારે મોરચો લઈને સયાજીપુરા ટાંકીએ ગયા ત્યારે તેઓ જે ટેન્કર થી રહીશો પાણી ખરીદી છે તે ટેન્કર ત્યાંજ મળી આવતા લોકોએ પાણીનો વેપલો ચાલતો હોવાના આક્ષેપ પણ કર્યા છે. અગાઉ પણ પૂર્વ વિસ્તારના કાઉન્સિલરોએ સભામાં રજૂઆત કરી હતી કે પૂર્વ વિસ્તારમાં પાણી વેચવાનું ગેરકાયદેસર નેટવર્ક ધમધમી રહ્યું છે તેની તપાસ કરવી જાેઈએ. આ ઉપરાંત વધુ ટીડીએસનું પાણી પીવા લાયક નહીં હોવા છતાં પાણીની મીની ફેક્ટરીઓ બે રોકટોક ચાલી રહી છે. તેવી રજૂઆત પણ કરી હતી.

સ્થાનિક રહિશોએ કહ્યુ હતુ કે, પાલિકાના સત્તાધીશો પાણી આપવામાં પણ વ્હાલા દવલાની નિતી અપનાવી રહ્યા છે. કેટલાક વિસ્તારમાં દિવસમાં બે વાર પાણી મળે છે જ્યારે કેટલીક સોસાયટીમાં એક ટાઈમ પણ પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી. આવી નીતિને કારણે ખોડિયાર નગર વિસ્તારમાં અનેક સોસાયટીના રહીશો પાલિકા દ્વારા અઘોષિત પાણીના કાપ થી લોકો પરેશાન થઈ ગયા છે. ખોડિયાર નગરના વિસ્તારમાં આવેલી શરણમ હેપ્પીહોમ, શિવમ હેપ્પીહોમ, રુદ્રાક્ષ રિવેરા સહિત આસપાસની સોસાયટીમાં કેટલાક દિવસથી પાણી ઓછા સમય માટે આવી રહ્યું છે.રોજેરોજ વેચાતી પાણીની ટેન્કરો મંગાવી પડે છે.આ અંગે વારંવાર વિસ્તારના કાઉન્સિલરોને રજુઆત કરવા છતાં કોઈ નિકાલ આવતો નથી. જ્યારે ગત રોજ પણ પાણી નહીં આવતા રહીશો રોષે ભરાયા હતા અને સાયજીપૂરા પાણીની ટાંકીએ પહોંચી જઈને હોબાળો મચાવ્યો હતો.જાેકે, રહીશોએ રોષે ભરાઈને હોબાળો કરતા રાત્રે ૧૧ કલાકે પાણી છોડવું પડ્યું હતું.

સયાજીપૂરા ટાંકીમાં ખાનગી પાણીની ટેન્કરો શુ કરે છે ?

ચાર સોસાયટીની મહિલાઓ સહિત રહીશોનું ટોળું પાણીની ટાંકીએ પહોંચ્યું ત્યારે બે ખાનગી ટેન્કરો પાણીની ટાંકી પરિસરમાં ઉભી હતી રહીશોનો રોષ જાેઈને ટેન્કર ચાલકો સ્થળ પરથી નિકળી ગયા હતા. ત્યારે અડધી રાત્રે સાયજીપૂરા ટાંકી માંથી ખાનગી વોટર સપ્લાયરને પાણી ભરી આપવાનું કૌભાંડ સામે આવ્યું હતું. જ્યારે રહીશોએ હાજર કર્મચારીઓ ને પૂછતા જાણવા મળ્યું હતું કે પાલિકાના ભભોર સાહેબના કહેવાથી આ ટેન્કરોને પાણી આપવામાં આવે છે. એક તરફ વેરો ભરતા નાગરિકોને પાણી મળતું નથી જ્યારે પાણીકાપને કારણે ખાનગી વોટર સપ્લાયર પાસેથી રહીશોએ ટેન્કરો મંગાવવા પડે છે. જ્યારે આ ટેન્કરો પણ અડધી રાત્રે પાલિકાની મુખ્ય ટાંકી માંથી પાણી ભરીને જ રહીશોને પહોંચાડે છે. જ્યારે સોસાયટીના રહીશોએ કરેલા હોબાળા બાદ અધિકારીઓના આશીર્વાદથી ચાલતું પાણી ચોરીનું કૌભાંડ પણ સપાટી પર આવ્યું છે.