અમદાવાદ-

આમ આદમી પાર્ટીની લોકપ્રીયતા ગુજરાતમાં વધી રહી છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીના નેતાઓ પર હુમલાઓ થવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. સોમનાથમાં ગોપાલ ઈટાલીયા અને ઈશુદાનના વિરોધબાદ જૂનાગઢના વિસાવદરનાં લેરિયા ગામમાં આમ આદમી પાર્ટીની જન સંવેદના યાત્રામાં આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન, મહેશ સવાણી, પ્રવીણ રામ અને નિમિષા ખૂટ પર હુમલાનો પ્રયાસ થયો હતો. આ ઘટનામાં પ્રવીણ રામ અને ઈશુદાન ગઢવીની કારના કાંચ તૂટી ગયા હતા. કેટલાક લોકો ગાળામાં કેસરી ખેસ પહેરીને આમ આદમીના આગેવાનો પર હુમલો કરતા હોય તેવા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ બાબતે આમ આદમી પાર્ટી નેતાઓ દ્વારા ભાજપ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હુમલા સમયે કારમાં બેસેલા એક વ્યક્તિને ઈજા થવા પામી હતી. પ્રવીણ રામનો આક્ષેપ છે કે, કેટલાક લોકોએ પહેલાથી જ હુમલો કરવા માટેનું પ્લાનિંગ કર્યું હતું. પ્રવીણ રામે એમ પણ કહ્યું હતું કે, પોલીસે આ બાબતે યોગ્ય કાર્યવાહી ન કરી. હુમલો કરવામાં આવ્યો છતાં પણ પોલીસ ચૂપ રહી અને બધું જોતી રહી હતી.