કોરોના વાયરસને પગલે સમગ્ર વિશ્વમાં ક્રિકેટ સ્થગિત થઈ ગયું હતું પરંતુ ધીમે ધીમે પરિસ્થિતિ બદલાઈ રહી છે. વેસ્ટ ઇન્ડિઝની ટીમે તાજેતરમાં જ ઇંગ્લેન્ડનો પ્રવાસ પૂર્ણ કર્યો અને કેરેબિયન ટીમ ત્યાં ત્રણ ટેસ્ટની સિરીઝ રમી હતી હવે ભારતીય ક્રિકેટ બોર્ડે સપ્ટેમ્બરમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું આયોજન કરવાનો નિર્ણય લઈ લીધો છે. વિશ્વની આ સૌથી ધનાઢ્ય લીગ આ વર્ષે યુનાઇટેડ આરબ અમિરાત (યુએઈ)માં દુબઈ, શારજાહ અને અબુધાબીમાં રમાનારી છે.

હવે IPLની ગવર્નિંગ કાઉન્સિલ (જીસી)ની રવિવારે બેઠક મળવાની છે જેમાં IPLના આયોજન અગે ઘણા નિર્ણયો લેવાશે પરંતુ એ અહેવાલ મુજબ IPLની ફાઇનલ આઠમી નવેમ્બરને બદલે દસમી નવેમ્બર કરી દેવાય તેવી શક્યતા છે. અગાઇ IPLના ચેરમેન બ્રિજેશ પટેલે 19મી સપ્ટેમ્બરથી આઠમી નવેમ્બર દરમિયાન આ ટુર્નામેન્ટ યોજવાની જાહેરાત કરી હતી. પરંતુ હલે તે દસમી નવેમ્બર સુધી લંબાઈ શકે છે.

આમ કરવાનો આશય એ છે કે તેના પ્રસારણકર્તા તથા તમામ ફ્રેન્ચાઈઝી સાથે સંકળાયેલા લોકો દિવાળીના દિવસોનો સદુપયોગ કરી શકે તેવો છે.હવે રવિવારે IPLની જીસીની બેઠકમાં આ મુદ્દે વિચારણા કરાશે. આ વર્ષે દિવાળી 14મી નવેમ્બરે છે. બે દિવસ લંબાવવાનો અર્થ એ છે કે આ વખતે ભારતીય ક્રિકેટ ટીમ IPL બાદ વતન પરત ફરશે નહીં પરંતુ સીધી ઓસ્ટ્રેલિયા જતી રહેશે. જોકે તારીખ બદલાશે તો આ વખતની આ લીગ 51 ને બદલે 53 દિવસની થઈ જશે. જોકે આમ થયું તો પહેલી વાર એવું બનશે કે IPLની ફાઇનલ રવિવારને નહી રમાય અને તેને બદલે મંગળવારે રમાશે.