સગીરા પર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવનાર બેની જામીનઅરજી નામંજૂર
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, એપ્રીલ 2026  |   વડોદરા   |   2376

શહેર નજીક ગ્રામ્ય વિસ્તારમાં દાદી સાથે રહેતી દલિત વર્ગની ૧૬ વર્ષીય સગીરા જેના માતા-પિતા હયાત નથી તેનો ગામમાં રહેતી બહેનપણીના ઘરે અવારનવાર આવતા રોહિત રાઠોડિયા સાથે સંપર્ક થયો હતો. ત્યારબાદ રોહિતે સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી અને તેને લગ્ન કરવાની લાલચ આપીને પોતાના ઘરે લઈ જઈ તેમજ સગીરાના ઘરે જઈને તેની પર બળાત્કાર ગુજાર્યો હતો.

દરમિયાન રોહિતના અન્ય પાંચ મિત્રોને સગીરાના રોહિત સાથેના સંબંધોની જાણ થતાં તેઓએ પણ સગીરાને આ સંબંધો જાહેર કરવાની ધમકી આપીને સગીરાને બ્લેકમેલ કરી સગીરા પર સમયાંતરે બળાત્કાર ગુજાર્યો હતો. છ યુવકો દ્વારા કરાયેલા બળાત્કારના કારણે સગીરા ગર્ભવતી બની હતી જેની હાલમાં સારવાર ચાલું છે. આ બનાવની વરણામા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે રોહિત રાઠોડિયા, પ્રેમ પરમાર, શૈલેષ ઉર્ફ અજય વસાવા, મનોજ વસાવા, સંજય રાઠોડ અને રિક્ષાચાલક સોહીલ ઘાંચી વિરુધ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો નોંધ્યો હતો. આ ગુનામાં ધરપકડ કરાયેલા આરોપીઓ પૈકીના રોહિત લક્ષ્મણ રાઠોડિયા અને સંજય જયંતિ રાઠોડે અત્રેના સ્પે.પોક્સો કોર્ટમાં જામીન અરજી કરી હતી જેમાં સરકારી વકીલ એચ આર જાેષી અને વીથ પ્રોસીક્યુશન વકીલ ભૈામિક શાહની દલીલોને ગ્રાહ્ય રાખી એડી.સેશન્સ જજ પ્રિયંકા અગ્રવાલે બંનેની જામીન અરજી નામંજુર કરી હતી જયારે અન્ય આરોપી મનોજ વસાવાએ જામીન અરજી નોટ -પ્રેસ કરી પરત ખેંચી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution