24, નવેમ્બર 2023
વડોદરા, તા.૨૩
શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહના માર્ગદર્શન હેઠળ રાવપુરા વિધાનસભાના યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં મંચ પરથી સંબોધતાં વિધાનસભાના દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુકલે કહ્યું હતું કે, ગત ચૂંટણીમાં સાંસદ રંજનબેન ભટ્ટને દેશમાં સૌથી વધુ મતોથી મહિલાઓમાં વિજેતા બનાવ્યા, તેવી રીતે આ વખતે પણ તેમને વિજયી બનાવીશું.
દિવાળી બાદ વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહના માર્ગદર્શન હેઠળ વિધાનસભા મુજબ સ્નેહમિલન સમારંભનું આયોજન થઈ રહ્યું છે. પહેલાં વાડી વિધાનસભા બાદ, અકોટા અને ગઈકાલે રાવપુરા વિધાનસભાનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્યો, મેયર, શહેર ભાજપ પ્રમુખ સહિત સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સ્નેહમિલન સંમેલનમાં મંચ પરથી સંબોધતાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુકલે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથમાં ફરી સત્તાનું સુકાન આવવાનું છે. ત્યારે પાર્ટી તરફથી આપણે પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાને વચત આપીએ કે ગત વખતે રંજનબેન ભટ્ટને આખા દેશમાં સૌથી વધુ મતોથી મહિલાઓમાં વિજયી બનાવ્યાં, તેવી રીતે આ વખતે પણ તેમને વિજય બનાવીશું તેમ કહ્યું હતું.
સાંસદ રંજનબેન ભટ્ટ બે ટર્મથી વડોદરાના સાંસદ છે અને તેમણે રેલવે, એરપોર્ટ, હાઈવે સહિતના અનેક કામો કર્યા છે. હજી લોકસભાની ચૂંટણીને વાર છે. જાે કે, ભાજપે તૈયાર શરૂ કરી દીધી છે. ત્યારે શું સાંસદ તરીકે રંજનબેન ભટ્ટ રિપીટ થવાના પ્રબળ સંકેત વિધાનસભાન દંડકે આપ્યા તેવી ચર્ચા થઈ રહી છે.