વડોદરા, તા.૧૧

ઉનાળાનો પ્રારંભ થતાંની સાથે જ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીનો કકળાટ શરૂ થઇ ગયો છે. વાઘોડિયા રોડ વૈકુંઠ સોસાયટીના રહીશો છેલ્લા ત્રણ વર્ષથી પાણી ની સમસ્યા છે.ત્યારે મંગળવારના રોજ આક્રોશીત મહિલાઓ બાપોદ પાણીની ટાંકી એ જઈને સુત્રોચ્ચાર કરીને મહાનગર પાલિકાની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો.

ઉનાળાની શરૂઆત થતાંની સાથે જ શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પાણીનો કકળાટ શરૂ થઇ ગયો છે. અને પાણી પ્રશ્ને પાલિકાની વિવિઘ કચેરીઓમાં મોરચા શરૂ થઈ ગયા છે. આજે વાઘોડિયા રોડ ઉપર આવેલ વૈકુંઠ સોસાયટીની મહિલાઓ બાપોદ પાણીની ટાંકી ઉપર પહોંચી ગઇ હતી અને પાણી માટે રજૂઆત કરી હતી. મહિલાઓ સોસાયટીમાં એકઠી થઇ હતી અને ‘પાણી આપો..પાણી આપો..’ના સુત્રોચ્ચાર કર્યા હતા.

સોસાયટીની મહિલાઓએ ભારે જણાવ્યું હતું કે, અમે વૈકુંઠ સોસાયટીમાં રહીએ છે. છેલ્લા ત્રણ વર્ષથી પૂરતા પ્રેશરથી પાણી આવતું નથી. અમે મોટર લગાવીએ છતા પાણી આવતુ નથી. પાણીનો પ્રશ્ન હલ કરવા માટે અનેક વખત સ્થાનિક કાઉન્સિલરો તેમજ પાલિકાની કચેરીએ રજૂઆત કરવામાં આવી છે પરંતુ, પાણીનો પ્રશ્ન હલ કરવામાં આવતો નથી. અમે કોર્પોરેશન દ્વારા જે પાણી વેરો વસુલ કરવામાં આવે છે, છતાં, કોર્પોરેશન દ્વારા પાણી પૂરતા પ્રેશરથી આપવામાં આવતું નથી.

તેમણે કહ્યુ હતુ કે, હવે ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે અત્યારથી જ પાણીની સમસ્યા શરૂ થઇ ગઇ છે પાણી વેચાતુ લાવીને પીવાનો વખત આવ્યો છે. આજે અમે બાપોદ પાણી ટાંકી ખાતે જઇ રજૂઆત કરી હતી. જાે અમારો પ્રશ્ન વહેલી તકે હલ કરવામાં નહી આવે તો હવે કોર્પોરેશનની કચેરીએ માટલા ફોડવાનો કાર્યક્રમ યોજવાની ચીમકી આપી હતી.