વડોદરા, તા.૫
ગુનાહિત પ્રવૃત્તિઓ અને કોમી રમખાણો જેવી અત્યંત ગંભીર પ્રવૃત્તિમાં ખરડાયેલા અને કટ્ટર મનાતા લઘુમતી કોમના પરિવારના સભ્યને ‘સિટિઝન કોપ’નું સૌપ્રથમ સન્માન અપાતાં થયેલા વિવાદની વિગતો જાણી ગૃહ રાજ્યમંત્રી ખુદ ચોંકી ઊઠયા છે અને શહેર પોલીસની આવી કાર્યવાહી સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે. બીજી તરફ આ સન્માનપત્ર આપી શહેર પોલીસે સન્માનિત વ્યક્તિ સાથે સોદાબાજી કરી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
ખુદ પોલીસબેડામાં શહેરના બુદ્ધિજીવીઓ હિન્દુ સંગઠનોમાં વિવાદાસ્પદ ઝાહીદ બાપુને શહેરનું સર્વ પ્રથમ ‘સિટિઝન કોપ’ અપાતાં ગણગણાટ શરૂ થયો હતો, જેને ઉગ્ર સ્વરૂપ પકડતાં હિન્દુ સંગઠનો ખાસ કરીને સંઘના સભ્યો દ્વારા વડાપ્રધાન કાર્યાલય, કેન્દ્રિય ગૃહમંત્રી, સંઘના વડા મોહન ભાગવત, રાજ્યના મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રીને બાપુ પરિવારના અગાઉના ગુનાઓનું લિસ્ટ મોકલાયું હતું અને શહેર પોલીસની કાર્યવાહી સામે શંકાઓ ઊભી કરવામાં આવી હતી.
ત્યારે સૂત્રોએ આપેલી માહિતી ભારે ચોંકાવનારી છે. આ સન્માનપત્ર આપવા પાછળ સન્માનિત વ્યક્તિ સાથેની ગોઠવણ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. ૨૦૦૬ મે મહિનામાં ચાંપાનેર દરવાજા પાસે ટ્રાફિકને નડતરરૂપ હોવાનું જણાવી પાલિકાએ દૂર કરેલી દરગાહના સ્થાને ત્યાર બાદ શહેર પોલીસ દ્વારા ગોઠવી દેવાયેલા બે ભંગારના પોલીસવાહનો દૂર કરવાની હલચલ ચાલી રહી છે અને એ દૂર કરાય ત્યારે તોફાન કે વિરોધ નહીં કરવાની સોદાબાજી કરાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
બીજી તરફ શહેર પોલીસ દ્વારા ઝાહીદ હુસેન સૈયદને અતિસંવેદનશીલ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હિન્દુ મુસ્લિમ તહેવારોમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી અને કોમી એકતા માટે ઉમદા કામગીરી કરી હોવા ઉપરાંત સિટી પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારી-કર્મચારીઓ માટે ઉપલબ્ધ રૂમોને નવિનીકરણ કરવામાં સરકાર આપવા બદલ ‘સિટિઝન કોપ ઓફ ઘ મન્થ’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે એમ સ્પષ્ટ જણાવ્યું છે. ત્યારે શહેરીજનોમાં સવાલ એ ચર્ચાઈ રહ્યો છે કે શું કોઈ બૂટલેગર, જુગારધામનો સંચાલક પોલીસ મથકના નવિનીકરણમાં સહકાર આપે, તો એના પરિવારના સભ્યને પણ આવો એવોર્ડ અપાશે કે કેમ? બીજાે સવાલ એ પણ ઊભો થાય છે કે રાજ્ય સરકાર અને ગૃહ વિભાગ પોલીસ મથકોને આધુનિક કરવા કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે જ છે, તો ખાનગી વ્યક્તિઓ પાસેથી આવી મદદ લેવાની શહેર પોલીસ વિભાગને શું જરૂર પડી હશે? એવા સવાલો ચર્ચાઈ રહ્યા છે.
ખરેખર તો આવા એવોર્ડ અપાતા અગાઉ પોલીસ વિભાગે એ વ્યક્તિ અને પરિવારની અગાઉ કોઈ ગુનામાં સંડોવણી છે કે કેમ? એની તપાસ કરવી જઈએ એવી માગ પણ ઊભી થઈ છે. જાે કે, અખબારી અહેવાલો બાદ ખુદ પોલીસ અધિકારીઓ કાચું કપાયું હોવાનું માની રહ્યા છે. બીજી તરફ ગૃહ રાજ્યમંત્રીએ પણ ગંભીરતાથી લઈ શહેર પોલીસની કાર્યવાહી અંગે નારાજગી વ્યક્તિ કરી છે.
તોડી પડાયેલી દરગાહ પાસેથી વાહનો હટાવવાની હિલચાલ
તોડી પડાયેલી દરગાહના સ્થાને પોલીસે જે ભંગાર વાહનો મૂકયા છે તે હટાવવાની હિલચાલ શરૂ થઈ છે. વાહનો હટાવ્યા બાદ આ જગ્યાએ મુસ્લિમો પુનઃ આવી દરગાહની ધાર્મિકવિધિ ના કરે એ માટે યાકુતપુરાના કહેવાતા આગેવાનને સિટિઝન કોપનો એવોર્ડ અપાયો છે એમ સૂત્રોએ જણાવ્યું છે. ત્યારે શું શહેર પોલીસમાં એમને રોકવાની હિંમત રહી નથી કે ઈચ્છાશક્તિ નથી એવો સવાલ ઊભો થયો છે.
૧૫ વર્ષથી તંત્ર ભંગાર વાહનો હટાવી શક્યુું નથી
ચાંપાનેર દરગાહ તોડી પાડવાનો જશ લઈ છાતી ફુલાવીને ફરતા તે સમયના મેયર સુનીલ સોલંકી પણ દરગાહના સ્થાને મુકી દેવાયેલા પોલીસના ભંગાર વાહનોને ૧૫ વર્ષ બાદ પણ હટાવી શક્યા નથી, જેને લઈને આ વિસ્તારના દુકાનદારો, રહીશોમાં ભારે રોષ છે. ત્યારે પોલીસ વિભાગ પણ વાહનો હટાવવા માટે આવી સોદાબાજી કરી રહ્યો હોવાની વાતે વિસ્તારના રહીશોમાં ભારે નારાજગી ફેલાઈ છે.
Loading ...