મુંબઈ-

રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા હોવાને પગલે સરકાર દ્વારા અનેક પ્રતિબંધો ફરમાવાયા હોવા છતાં તેનું વારંવાર ઉલ્લંઘન થતું રહે છે, એ જોતાં પોલીસે ગઈરાત્રે અનેક ઠેકાણે છાપા મારીને નિયમોનું ઉલ્લંઘન કરતા લોકોને ભારે દંડ ફટકાર્યો હતો. અહીં કેટલાક લેડીઝ બાર પર દરોડા પાડીને કોરોના ગાઈડલાઈનના ઉલ્લંઘન બદલ સજા ફટકારવામાં આવી હતી. 

મંગળવારે રાત્રે થાણે નગરપાલિકાની ટીમે નોપાડા, માજીપાડા અને માનપાડા અંતર્ગતની ટીમોએ પાંચ બાર પર દરોડા પાડ્યા હતા. કેટલાક વોર્ડ અંતર્ગત કપૂરબાડી અને સનસીટી લેડીઝ બાર અને હીરનંદાની એસ્ટેટમાં ટીઆરપી લાઉન્જ, પોપ સ્ટેટ્સ અને મિઝોને લાઉન્જને પણ સીલ કરવામાં આવ્યા હતા. આ બાર મોડી રાત્રે ચાલુ હતા અને કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન થઈ રહ્યું હતું. કોઈએ માસ્ક પહેર્યા નહોતા અને સોશ્યલ ડિસ્ટન્સીંગનું પણ પાલન કરવામાં નહોતું આવ્યું. 

મ્યુનિસિપલ કમિશ્નર વિપિન શર્માએ આદેશ આપ્યો હતો કે, કોરોના ગાઈડલાઈનનું પાલન ન કરાય તો મિલ્કતને સીલ કરી દેવી. પોલીસ પ્રશાસને પણ બાર સીલ કરી દેવા માલિકને નોટીસ આપી છે.