/
બીસીએ રૂા.૨૫ કરોડની જમીન ખરીદવા દલાલ રોકશે

લોકસત્તા વિશેષ : બીસીએ દ્વારા શહેર નજીક હાલોલ રોડ પર બનાવવામાં આવી રહેલા નવા સ્ટેડીયમની બાજુમાં વધુ ૧૨.૪૨ લાખ ચોરસ ફૂટ જમીન ખરીદવાનો ર્નિણય કરાયો છે. પરંતુ રૃપિયા ૨૫ કરોડની અંદાજીત બજાર કિંમતની આ જમીન ખરીદવા માટે બીસીએ દ્વારા દલાલ તરીકે એક ખાનગી કંપનીને જવાબદારી સુપ્રત કરવાનો ર્નિણય કરાયો છે. જેની સાથે પ્રતિ ચોરસ ફૂટના રૃપિયા ૨૦૧ ચુકવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે માટે એપેક્ષ કમિટિના સભ્યોને ઈ-મેઈલ કરી મંજુરી માંગવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે બીસીએ દ્વારા અચાનક વધારાની જમીન ખરીદવાનો ર્નિણય કરવામાં આવતા આશ્ચર્ય ફેલાયું છે.

બીસીએ દ્વારા કોટંબી નજીક આશરે ૧૪ લાખ ચોરસ ફૂટ જમીનમાં સ્ટેડીયમ બનાવવામાં આવી રહ્યું છે. પરંતુ આ જમીનની બાજુમાં આવેલી વધારાની આશરે ૧૨.૪૨ લાખ ચોરસ ફૂટ જમીન ખરીદવા માટે બીસીએ સત્તાધીશો દ્વારા હિલચાલ શરૃ કરવામાં આવી છે. આ માટે બીસીએ સત્તાધીશો દ્વારા એપેક્ષ કમિટિને ઈ-મેઈલ કરી ખાનગી કંપનીને ખરીદીની પ્રક્રિયા સુપ્રત કરવા તથા પ્રતિ ચોરસ ફૂટે રૂપિયા ૨૦૧ કિંમત ચુકવવા માટેની મંજુરી મંગાઈ છે.

ઉલ્લેખનીય છેકે અગાઉ બીસીએ દ્વારા ખરીદવામાં આવેલી આશરે ૧૪ લાખ ચોરસ ફૂટ જમીન પર નવું સ્ટેડીયમ બનાવવાની કામગીરી શરૃ કરી દેવામાં આવી છે. ત્યારે અચાનક વધારાની જમીન ખરીદવા માટે પ્રક્રિયા કેમ શરૃ કરવામાં આવી તેમજ આ પ્રક્રિયા માટે શું એપેક્ષ કમિટિને સત્તા છે કે પછી ખાસ વાર્ષિક સાધારણ સભા બોલાવી મંજુરી લેવી પડે તેને લઈને પણ બીસીએના કેટલાક હોદ્દેદારોમાં અસમંજસની સ્થિતિનું નિર્માણ થયું છે.

ક્યા નંબરની કેટલા ચો.ફૂટ જમીન ખરીદાશે

સર્વે નંબર ક્ષેત્રફળ - ચોરસ ફૂટ જમીનનો સત્તા પ્રકાર

૪૯૮ ૧૯૪૯૩૬ નવી શરત

૫૦૬ ૧૪૫૯૨૭ નવી શરત

૫૦૭ ૧૮૪૯૫૭ નવી શરત

૪૯૯/૨/અ ૧૬૫૨૨ જુની શરત

૫૧૪/૧ ૭૭૩૧૭ જુની શરત

૫૦૦/૧ ૨૦૪૭૩૧ ૭૩એએ

૪૯૯/૧ પૈકી ૯૧૯૬૭ ૭૩એએ

૪૯૯/૩/અ ૧૯૧૦૬ ૭૩એએ

૪૯૩ ૧૬૮૮૦૧ ૭૩એએ

૪૯૪ ૧૩૮૩૦૬ ૭૩એએ

કુલ ક્ષેત્રફળ ૧૨૪૨૫૭૦

આ જમીન માટે અગાઉ રમેશ મહારાજ સાથે કરાર થયા હતા?

બીસીએ સત્તાધીશો હાલ જે જમીન ખરીદવા માટે નિકળ્યા છે તે માટે અગાઉ ૧૪ લાખ ફૂટ જમીન બીસીએને વેચાણ આપવા માટે મધ્યસ્થીની ભૂમિકા ભજવનાર રમેશ પટેલ ઉર્ફે રમેશ મહારાજ સાથે કરાર કરવામાં આવ્યા હતા. આ કરારમાં હાલ જે જમીન ખરીદવાની વાત કરવામાં આવી છે તે જમીનો પણ રૃપિયા ૧૦૦થી ૧૨૦ પ્રતિ ચોરસ ફૂટની કિંમતે ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું હતુ. ત્યારે આ કરારને બાજુએ મુકી નવેસરથી જમીન ખરીદવાની પ્રક્રિયા ખાનગી કંપનીને સુપ્રત કરવાની પ્રક્રિયાથી વિવાદ શરૃ થયો છે.

અગાઉ રૂા.૧૦૦થી ૧૨૦ પ્રતિ ચો. ફૂટ ખરીદાયેલી જમીનના રૂપિયા ૨૦૧ ચૂકવાશે

બીસીએ દ્વારા કોટંબી સ્ટેડીયમની આસપાસ વધારાની ૧૨.૪૨ લાખ ચોરસ ફૂટ જમીન રૃપિયા ૨૦૧ પ્રતિ ચોરસ ફૂટની કિંમતે ખરીદવા માટે એપેક્ષ કમિટિની મંજુરી માંગવામાં આવી છે. ત્યારે અગાઉ પ્રતિ ચોરસ ફૂટે રૃપિયા ૧૦૦થી લઈ રૃપિયા ૧૨૦ સુધી કિંમત ચુકવવામાં આવી હતી. તે સમયે પાછળથી ખરીદવામાં આવેલી જમીનના પ્રતિ ચોરસ ફૂટે રૃપિયા ૧૨૦ કિંમત ચુકવવામાં આવી તેને લઈને બીસીએના વર્તમાન સત્તાધીશો નાક ફુલાવીને બેસી ગયા હતા. એટલું જ નહીં પૈસા ચુકવ્યા બાદ કલેકટરની મંજુરી મળ્યા પછી પણ બીસીએ સત્તાધીશો દ્વારા દસ્તાવેજ કરવામાં અખાડા કરવામાં આવ્યા હતા. પરંતુ વિવાદે વધુ હવા પકડતાં તે સમયે પણ કમને દસ્તાવેજ કરી કોટંબી ખાતે સ્ટેડીયમ બનાવવાની વાતનો સ્વીકાર કરવો પડ્યો હતો. ત્યારે અગાઉ ઓછી કિંમતે ખરીદાયેલી જમીનનો વિરોધ કરનાર બીસીએ સત્તાધીશો દ્વારા લગભગ બમણી કિંમત ચુકવી જમીન ખરીદવાની કરવામાં આવેલી તૈયારી શંકાના ઘેરામાં આવી ગઈ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution