વડોદરા, તા.૨૮
વડોદરા શહેરના પૂર્વના મોટાભાગના વિસ્તારમાં આજવાથી પાણીનું વિતરણ કરવામાં આવે છે. ત્યારે બુધવારે રાત્રે આજવાની ૧૫૦૦ની મુખ્ય ફીડર લાઈનનો એર વાલ્વ રવાલ ગામ પાસે તૂટી જતા તંત્ર દોડતું થયું હતંુ. લાઈન ખાલી થાય નહીં ત્યાં સુધી રીપેરીંગ થઈ શકે તેમ ન હોવાથી આજે સાંજના સમયે સમગ્ર પૂર્વ વિસ્તારમાં પાણીનું વિતરણ નહીં થતાં ભર ઉનાળે પાણીનો કકળાટ સર્જાયો હતો. જ્યારે આવતીકાલે સવારે પણ પૂર્વ વિસ્તારમાં પાણી નહીં મળે, ૭ લાખ જેટલા લોકોને અસર થઈ છે. જાેકે, મળતી વિગતો મુજબ કોન્ટ્રાક્ટરની ચાલી રહેલી કામગીરી દરમિયાન ઝાડી ઝાંખરામાંથી પસાર થતી લાઈનના વાલ્વ પર મશીનનું બકેટ વાગતા તૂટ્યો હોવાનું કહેવાય છે.
કોર્પોરેશન દ્વારા ગઈકાલે જ મહિસાગરના કૂવાની લાઈનોના ઈન્ટરલિંક જેમ જ એક ફીડર લાઈનના લીકેજના રીપેરીંગની કામગીરીના કારણે શટડાઉન લઈને કામગીરી કરવામાં આવી હતી. જે મોડી રાત્રે પૂર્ણ થઈ હતી. દરમિયાન ગત રાત્રીના ૮ઃ૩૦ વાગ્યાની આસપાસ આજવાથી નિમેટા આવતી ૧૫૦૦ની મુખ્ય ફીડર લાઈન પર રવાલ ગામ નજીક એર વાલ્વ તૂટી જતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.એર વાલ્વ તૂટી જતાં આજે સવારના સમયે તો પૂર્વ વિસ્તારમાં પાણી ઓછા પ્રેસરથી મળ્યું હતંુ, પરંતુ વાલ્વના રીપેરીંગની કામગીરી સમગ્ર લાઈન ખાલી કરીને કરવી પડે આવી સ્થિતિ હતી. ઉપરાંત બીજી ૯૦૦ની એચએસની લાઈન પણ બંધ કરવી પડી હતી. જેથી આજે સાંજે પૂર્વ વિસ્તારની ૭ ટાંકી અને પાંચ બુસ્ટરના કમાંન્ડ વિસ્તારમાં પાણી મળ્યું ન હતંુ. આવતીકાલે સવારના સમયે પણ પાણી વિતરણ નહીં થાય, જેથી ૭ લાખ લોકોને પાણીના કકળાટનો સામનો કરવો પડશે. પાલિકા તંત્રને જાણ થતાં ગત રાતથી જ જે ફીડર લાઈનનો વાલ્વ તૂટી ગયો છે. તે ૧૫૦૦ની લાઇન ખાલી કરવાની કામગીરી શરૂ કરી હતી. જાેકે, મુખ્ય લાઈન હોવાતી લાઈન ખાલી કરતા ૨૪ કલાકનો સમય થશે, તેમ પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતંુ.પાણીની લાઈન ખાલી થયા બાદ તૂટી ગયેલા એર વાલ્વના રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આવતીકાલે બપોર સુધીમાં કામગીરી પૂર્ણ થાય તેવી શક્યતા છે. આવતીકાલે સાંજના સમયે પણ પૂર્વ વિસ્તારમાં ઓછા પ્રેશરથી પાણી મળે તેવી શક્યતા છે.
કઈ કઈ ટાંકીના કમાન્ડ વિસ્તારોમાં અસર
૧) પાણીગેટ ટાંકી ૨) આજવા ટાંકી ૩) ગાજરાવાડી ટાંકી ૪) નાલંદા ટાંકી ૫) કપૂરાઈ ટાંકી ૬) સયાજીપુરા ટાંકી ૭) બાપોદ ટાંકી ઉપરાંત ૮) સોમાતળાવ બુસ્ટર ૯) દંતેશ્વર બુસ્ટર ૧૦) મહાનગર બુસ્ટર ૧૧) સંખેડા-દશાલાડ બુસ્ટર ૧૨) મહેશ નગર બુસ્ટર