વડોદરા, તા. ૧૩

શહેરમાં ગઈ કાલે થયેલા વરસાદના આગમનને વધાવવા માટે ગોરવા વિસ્તારના છેવાડે રાત્રે ખેતરમાં યોજાયેલી સાધનસંપન્ન પરિવારના યુવાન મિત્રોની વિદેશી દારૂની મહેફિલમાં પોલીસ ત્રાટકી હતી. પોલીસે દરોડા દરમિયાન વિદેશી દારૂની મહેફિલ માણતા આઠ નબીરાઓને ઝડપી પાડી તેઓની પાસેથી વિદેશી દારૂની બોટલો તેમજ વૈભવી કાર અને મોબાઈલ ફોન સહિત ૪૯.૪૦ લાખથી વધુની મત્તા જપ્ત કરી હતી. ખાનદાની નબીરાઓ મહેફિલ માણતા ઝડપાયા હોવાની જાણ થતાં જ તેઓના પરિવારજનો અને મિત્રો રાત્રે પોલીસ મથકે દોડી આવ્યા હતા પરંતું પોલીસે તેઓને મચક આપ્યા વિના આઠેય નબીરાઓની નશાબંધીના ગુનામાં ધરપકડ કરી હતી.

લાંબા સમયથી ઉકળાટ બાદ ગઈ કાલે શહેરમાં વરસાદનું આગમનથી ઠંડક પ્રસરતા જ ગોરવા વિસ્તારમાં સહયોગ પાછળ દ્વારકેશ બંગલીમાં રહેતા અને ખેતીકામ કરતા અંકિતભાઈ સુરેશભાઈ પટેલે ગોરવા વિસ્તારના છેવાડે પોતાના ખેતરમાં દાજીનો કુવો છે ત્યાં કુદરતી વાતાવરણમાં દારૂની મહેફિલ ગોઠવી હતી અને પોતાના મિત્રોને આમંત્રણ આપ્યું હતું.

દરમિયાન રાત્રે ખેતરમાં ભેગા થયેલા સાધનસંપન્ન પરિવારના યુવાનોની દારૂની મહેફિલ જામી હોવાની શહેરના ડીસીપી ઝોન-૧ના એલસીબી સ્કવોર્ડના પોકો આઝાદ સુર્વેને બાતમી મળતા જ એલસીબી સ્કવોર્ડ અને ગોરવા પોલીસે સુરેશ પટેલના ખેતરમાં દરોડો પાડ્યો હતો.

દરોડામાં અંકિત પટેલ અને તેના સાત મિત્રો દારૂની મહેફિલ માણતા રંગે હાથ ઝડપાયા હતા. પોલીસે આ આઠેય નબીરાઓને ઝડપી પાડી ગોરવા પોલીસ મથકના હવાલે કરતા ગોરવા પોલીસે આઠેય નબીરાઓને પાસેથી વિદેશી દારૂની બે બોટલ તેમજ તેઓના મોબાઈલ ફોન અને વાહનો સહિત કુલ ૪૯.૪૦ લાખની મત્તા કબજે કરી હતી.