લોકસત્તા વિશેષ, તા. ૨૦

શહેરના પશ્ચિમ વિસ્તારમાં જ્યાં કોઈ વસ્તી નથી ત્યાં રૂપિયા ૧૦૦ કરોડના જંગી ખર્ચે ૭૫ મીટર પહોળો રસ્તો તૈયાર કરવા માટે ઉતાવળે કાર્યવાહી કરી રહેલા કમિશનર શાલિની અગ્રવાલે તત્કાલિન નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે કરેલી જાહેરાતને પણ અભરાઈ પર ચઢાવી દીધી છે. ૨૦૨૧માં કોર્પોરેશનની ચૂંટણી પૂર્વે શહેરમાં આવેલા નિતિન પટેલે એક જાહેર કાર્યક્રમમાં હરણીથી કેનાલની સમાંતર ૩૦ મીટરના રસ્તા પૂર્ણ ક્ષમતામાં કાર્યરત કરી ટ્રાફિકનું ભારણ ઓછું કરવા તથા વડોદરાને કાયમી પુરની સમસ્યામાંથી બહાર લાવવા માટે હરણીથી વિશ્વામિત્રી ડાઈવર્ઝનની કામગીરી પણ આ કેનાલની સમાંતર કરી મીની નદીમાં લઈ જવાની કામગીરી પુરી કરવાની પણ જાહેરાત કરી હતી. આ કામગીરી માટે ડીપીઆર તૈયાર થઈ તેના ખર્ચ સાથેની વિગતો રાજ્ય સરકારમાં મોકલવામાં આવી હતી. આ કામગીરી માટેનુ તમામ ફંડ પણ રાજ્ય સરકાર આપવાની હતી ત્યારે આ જુનો ડીપીઆર સરકાર પાસેથી મંજુર કરાવી તેનું ફંડ લાવી ૩૦ મીટરના રસ્તાની કામગીરી કરવાના બદલે કમિશનર અચાનક વુડાના ખર્ચે ૭૫ મીટરનો રસ્તો ખુલ્લો કરવાની કામગીરીમાં કેમ લાગ્યા છે તે બાબત કોર્પોરેશન અને વુડામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

લોકસત્તા જનસત્તાને પ્રાપ્ત જાણકારી અનુસાર શહેરની ટ્રાફિકની સમસ્યા અને વિશ્વામીત્રીના કારણે આવતા પુરના પ્રશ્નના કાયમી ઉકેલની જાહેરાત કોર્પોરેશનની ચૂંટણી પૂર્વે તત્કાલિન નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે કરી હતી. જેમાં શહેરની ફરતે રીંગરોડની કામગીરી તબક્કાવાર કરવા માટે પ્રથમ તબક્કામાં હરણીથી શહેરમાં આવતી નર્મદા કેનાલની સમાંતર બંને તરફ મુકવામાં આવેલા ૩૦ મીટરના રસ્તાને પૂર્ણ ક્ષમતામાં કાર્યરત કરવાની વાત જાહેર કરવામાં આવી હતી. જે ડિસ્ટ્રીબ્યુટરી કેનાલની સમાતંર ૩૦ મીટરનો રસ્તો જાંમ્બુવા સુધી તથા જાંમ્બુવાથી નેશનલ હાઈવેને જાેડી હરણી સુધી તેનો ઉપયોગ કરવાથી પ્રથમ તબક્કામાં ટ્રાફિકની સમસ્યાના નિરાકરણનું કામ ઝડપથી પતે તેવું આયોજન હતું. જે બાદ ૭૫ મીટરનો રીંગ રોડ અને ત્યાર બાદ ૯૦ મીટરનો રીંગ રોડ કાર્યરત કરવાનું તબક્કાવાર આયોજન હતું. જેના બદલે અચાનક સીધું જ ૭૫ મીટરનું આયોજન હાથમાં લઈ કમિશનરે તત્કાલિન નાયબ મુખ્યમંત્રીની જાહેરાતને પણ ફગાવવાની હિંમત દાખવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

૫ાલિકાનો પ્રયાસ ૩૦ મીટરનો રોડ પૂરો થાય તે રહેશે - મેયર

વડોદરા શહેરમાં હરણી નર્મદા કેનાલને સમાંતર ૩૦ મીટરનો રોડ સમા, છાણી, ગોરવા, ગોત્રી થઈને પાદરા રોડ સુધી બનાવવાના આયોજનમાં મોટાભાગના રોડની કામગીરી પૂર્ણ થઈ છે પરંતુ કેટલીક જગ્યાએ આ કામગીરી બાકી હોવાથી આ રોડની કામગીરી હજી પૂર્ણ નહીં થતાં આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા યથાવત્‌ છે. ત્યારે મેયર કેયુર રોકડિયાને આ અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, કેનાલને સમાંતર ૩૦ મીટર રોડની કામગીરી છે તેમાં ખૂટતી કડી છે ત્યાં જમીન અધિગ્રહણ કરવી પડે તેમ છે, તેમજ બે બ્રિજની કામગીરી કરવી પડે ત્યારે વડોદરા કોર્પોરેશનનો પ્રયાસ ૩૦ મીટરના રોડની કામગીરીમાં ખૂટતી કડી જાેડીને રોડની કામગીરી પૂર્ણ કરવાનો છે અને તે માટે અમે પ્રયત્નશીલ પણ હોવાનું કહ્યું હતું.

૭૫ મીટરનો રસ્તો જરૂરી પણ ૩૦ મીટરનો હયાત રસ્તો ખૂલે તેને પ્રાથમિકતા આપવી જાેઈએ ઃ સુખડિયા

શહેર તેમજ શહેરની આસપાસના વિસ્તારોમાં ઉત્તરોત્તર વધતી જતી ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં લઈને તેમજ ભવિષ્યની દૃષ્ટિએ શહેરની ફરતે ૭પ મીટરનો રોડ બનાવવો જરૂરી છે, પરંતુ હાલના તબક્કે જે ટી.પી. મંજૂર છે અને મોટાભાગનો રસ્તો તૈયાર છે તે કેનાલને સમાંતર જે ૩૦ મીટરનો રસ્તો છે તેની ખૂટતી કડીઓ એટલે કે અમુક જગ્યાએ જ રસ્તો જાેડવાનો બાકી છે તેને પ્રાથમિકતા આપવી જાેઈએ, તેમજ કેનાલને સમાંતર જે રસ્તો છે તે સંપૂર્ણ રીતે ખૂલે તે જરૂરી હોવાનું સયાજીગંજના ધારાસભ્ય જિતેન્દ્ર સુખડિયાએ જણાવ્યું હતું. જ્યારે વધતા જતા ટ્રાફિકને ભવિષ્યની દૃષ્ટિએ ૭પ મીટરનો રસ્તો પણ જરૂરી હોવાનું જણાવ્યું હતું.

૩૦ મીટર રોડની કનેક્ટિવિટી પૂર્ણ કરવી જાેઈએ ઃ શૈલેષ મહેતા

નર્મદા કેનાલ અને સબસિડરી કેનાલને સમાંતર ૩૦ મીટર રોડની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ છે. કેટલાક સ્થળે કનેક્ટિવિટી બાકી છે. આ કામગીરી પૂર્ણ થાય તો હરણીથી લઈને પાદરા રોડ સુધી સીધું કેનાલને સમાંતર રોડથી જઈ શકાય. આ રોડ પર અનેક કોમ્પલેક્સ, સોસાયટીઓ છે, વસતી પણ છે. ત્યારે જેમના વિધાનસભા વિસ્તારમાં પણ આ રોડ આવે છે તે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે, કેનાલને સમાંતર ૩૦ મીટરના રોડને જે ખૂટતી કડીઓ છે તે જાેડીને આ રસ્તો પહેલાં ખૂલ્લો કરવા માટે પ્રાથમિકતા આપવામાં આવે, ત્યાર પછી આગળનું વિચારવું જાેઈએ. આ રોડની ખૂટતી કડીઓ જાેડાય તો આસપાસના કેટલાક રોડ પર ટ્રાફિકનું ભારણ ઘટે તેમ હોવાનું તેમણે કહ્યું હતું.