પાટણ-

પાટણ શહેરમાં કોરોનાની રસી લેનારને એક લીટર તેલ અપાતું હોવાની વાત શહેરમાં પ્રસરતા વેક્સિન લેવામાં બાકી રહેલા લોકોમાં ઉત્સાહ જાગ્યો છે અને આજના મોંઘવારીના સમયમાં મોંઘાભાવે વેચાતું તેલ મફતમાં અપાતું હોવાનું જાણીને રસી લેવામાં આળસ કરી રહેલા લોકો આવા પ્રોત્સાહનથી વેક્સિન લેવા પ્રેરાઈ રહ્યા હોવાનુ જાેવા મળી રહ્યું છે. જેમાં પ્રથમ દિવસે ૧૫ લાભાર્થીને એક લીટર તેલ આપવામાં આવ્યું હતુંવૈશ્વિક કોરોના મહામારી સામેની લડતના ભાગરૂપે સરકાર દ્વારા દેશના તમામ નાગરિકોને વિનામૂલ્યે કોરોના પ્રતિરોધક વેક્સિન મળી રહે તેવું આયોજન અને વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આમ છતાં ઘણા લોકો વિવિધ પ્રકારના કારણોસર રસી લેવા માટે આગળ આવી રહ્યા નથી. ત્યારે કોરોનાની આ રસીથી કોઈપણ પુખ્તવયના નાગરિક બાકી રહી ન જાય એ માટે પાટણ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્ર પણ સક્રિય અને પ્રયત્નશીલ રહ્યું છે અને તેના ભાગરૂપે હવે રસી લેવામાં બાકી રહેલા લોકો વેક્સિન લેવા માટે ઉત્સાહથી આગળ આવે તે માટે તેમને પ્રોત્સાહન મળે તે હેતુથી રસીનો પહેલો કે બીજાે ડોઝ લેનાર લાભાર્થીને લક્કી ડ્રો કુપન આપીને એ જ દિવસે તેનો ડ્રો કરી રોજ રસી લેનાર ૧૦૦ લાભાર્થીઓ પૈકી ૨૦ લાભાર્થીઓને એક એક લીટર ખાદ્યતેલની બોટલ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.

પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે સાંજે પાટણ તાલુકા હેલ્થ કચેરીના ટીએચઓ ડો. ગૌરાંગ પરમારની સુચના માર્ગદર્શન મુજબ કચેરીના સુપરવાઇઝર દિનેશ પટેલ અને મેહુલ કતપરા દ્વારા કોરોનાની રસી લેવા આવેલ લાભાર્થીઓને લક્કી ડ્રો સિસ્ટમરૂપે એક એક લીટર તેલની બોટલ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય વિભાગના કર્મચારી મેહુલ કતપરાએ જણાવ્યું હતું કે પાટણ શહેરમાં કોરોના રસીકરણ અભિયાનને વેગ મળે અને કોઈ વ્યક્તિ રસીથી વંચિત ન રહી જાય તે માટે બાકી રહી ગયેલા તમામ લોકો રસી લેવા પ્રોત્સાહિત થાય તે હેતુથી પાટણના જાણીતા બિલ્ડર બેબાશેઠ અને એનજીઓના સહયોગથી કોરોના રસી લેવા આવનાર લાભાર્થીઓને લકી ડ્રો કરીને એક અઠવાડિયા સુધી દરરોજ ૨૦ લાભાર્થીને એક લીટર તેલની બોટલ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે પાટણ શહેરના સિવિલ હોસ્પિટલ, બગવાડા દરવાજા અને વિ.કે.ભુલા હાઈસ્કૂલ પાસેના રસીકરણ કેન્દ્ર ખાતે જે કોઈ નાગરિક કોરોનાની રસી મુકાવશે તેમને લકી ડ્રોની કુપન આપવામાં આવશે અને આવા ૧૦૦ લાભાર્થીઓ પૈકી દરરોજ ૨૦ કુપનનો લકી ડ્રો યોજવામાં આવશે અને તેના વિજેતાઓને એક લીટર તેલની બોટલ આપવામાં આવશે.