લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, એપ્રીલ 2026 |
1881
સસ્તા દરે એર ટિકિટ આપવાની ઓનલાઇન જાહેરાત કરી બેંગ્લુરૂમાં ટ્રાવેલ એજન્સી ચલાવતા ડોક્ટર અને તેના ભાગીદારે ૨૨.૨૫ કરોડનું ફ્રોડ કર્યુ હતું. ઉત્રાણ વિસ્તારનાં ટ્રાવેલ એજન્ટ દ્વારા ૮.૧૭ લાખનાં ફ્રોડ અંગે નોંધાવેલી ફરિયાદમાં સાયબર સેલે ડોક્ટર હુમાયુ કબીરની ધરપકડ કરી છે.
મળતી માહિતી અનુસાર નવસારીનાં વિજલપોરનાં રહેવાસી નીતીન ડાહ્યાભાઈ મકવાણા સુરતના ઉત્રાણ વિસ્તારમાં સિલ્વર ટ્રેડ સેન્ટરમાં એડવાન્સ હોલીડેઝ નામથી ટ્રાવેલ એજન્સી ચલાવે છે. તેઓ ગ્રાહકો માટે જુદી જુદી વેબસાઇટનાં માધ્યમથી એર ટિકિટ તથા હોટેલ બુકિંગનું કામ પણ કરે છે. તેમની ઓફિસમાં સેલ્સ મેનેજર તરીકે કામ કરતાં કરણ પરીયાએ તેમને જણાવ્યું હતું કે, મારી પાસે એક એવા વ્યક્તિનો કોન્ટેક્ટ છે કે જે અન્ય વેબસાઈટની સરખામણીએ ઓછા રૂપિયામાં એર ટિકિટ બુક કરી આપે છે.
મકવાણાએ માર્કેટ કરતાં ઓછા ભાવે ટિકિટ મળતી હોય તો આપણને અને ગ્રાહકને પણ ફાયદો થશે એમ કહેતા કરણે મુસ્તફિઝુર રહેમાન તથા હુમાયુ કબીરની બેંગ્લુરૂ ખાતે ફાયટ ફ્લ્યુ ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ અંગે વાત કરી હતી. ત્યારબાદ કરણે આ કંપનીમાંથી ઓનલાઇન ૪૫ ટિકિટ બુક કરાવી હતી. જેમાં તેમણે ૮,૧૭,૫૫૦ રૂપિયા પેમેન્ટ ચૂકવ્યું હતું. આ પેમેન્ટ સામે મોકલાયેલી એર ટિકિટ ખોટી નીકળતા મકવાણાએ પૈસા પરત માંગ્યા હતાં. જેમાં મુસ્તફિઝુર અને હુમાયું એ માત્ર ૫૦ હજાર પાછા આપી બીજા ૭,૬૭,૫૫૦ રૂપિયાનું ચીટિંગ કર્યું હતું.
મકવાણાએ આ મામલે ફરિયાદ આપતા સાયબર સેલે બેંક એકાઉન્ટ નંબરનાં આધારે તપાસ શરૂ કરી હતી. જેમાં મળેલી માહિતીનાં આધારે બેંગ્લુરૂ જઇ
હુમાયું કબીર અબ્દુલ રજાકની ધરપકડ કરી હતી. હુમાયુ બીએએમએસ ડોક્ટર છે અને કામ ટિકિટ બુકિંગનું કરે છે. તેણે મુસ્તફિઝુર રહેમાન સાથે મળી ટ્રાવેલ એજન્સી શરૂ કરી હતી. જાે કે, તેઓ જેન્યુઇન ધંધો કરવાની જગ્યાએ ઓનલાઇન ટિકિટ બુકિંગનાં નામે ફ્રોડ કરવા માંડ્યા હતાં. આ બંને જણા સસ્તા દરે ટિકિટની ઓફર કરી દેશભરનાં ટ્રાવેલ એજન્ટને ફસાવતા હતા.
હુમાયુની તપાસ દરમિયાન તેઓ દ્વારા આ ફ્રોડ માટે ઉપયોગમાં લેવાતા હતાં એ ૨૯ બેન્ક એકાઉન્ટની માહિતી મળી હતી. આ બેંક એકાઉન્ટ નેશનલ સાયબર ક્રાઇમ રીપોર્ટિંગ પોર્ટલ ઉપર ચેક કરાયા તો તેની સામે જુદા જુદા રાજ્યોમાં ૨૩ ફરિયાદ નોંધાયાનું બહાર આવ્યું હતું. આ ફરિયાદ અનુસાર તેઓએ ૨૨.૨૫ કરોડ રૂપિયાનું ફ્રોડ કર્યાનો પર્દાફાશ થયો છે. મકવાણાની એડવાન્સ હોલીડેઝ પાસે પૈસા લેવાયા હતાં એ એકાઉન્ટ સામે ૭.૨૦ કરોડના ફ્રોડની ૮ ફરિયાદો નોંધાયાનું પણ પોલીસને જાણવા મળ્યું હતું. પોલીસે હુમાયુ પાસે માહિતી મેળવી તેના ભાગીદાર મુસ્તફિઝુર રહેમાન ની શોધખોળ હાથ ધરી છે.