કોંગ્રેસનાં ઉમેદવાર ખુમાનસિંહ દર્જાવત પર હુમલા પ્રકરણમાં ભવાની સેના મેદાનમાં
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, એપ્રીલ 2026  |   3465

સુરત શહેરમાં મજુરા ગેટ ખાતે આવેલ ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં મત ગણતરી દરમિયાન વિજય બનેલા ભાજપના ઉમેદવાર દિનેશ રાજપુરોહિત અને તેમના માણસોએ ઉત્સાહના અતિરેકમાં આવી પોલીસની હાજરીમાં જ કોંગ્રેસના ઉમેદવાર ખુમાનસિંહ દર્જાવત પર હુમલો કર્યો હતો. જેના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર રાજસ્થાની સમાજ પર પડ્યા છે. હાલમાં દિનેશ રાજપુરોહિત તથા તેમના માણસો માફી માંગે તેવા ઉદ્દેશ્ય સાથે રાજસ્થાની સમાજ દ્વારા સોશિયલ મીડિયામાં ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે હવે આગામી દિવસોમાં આ વિરોધ વધુ ઉગ્ર બને તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. રાજસ્થાનની ભવાની સેના મેદાનમાં આવી છે અને તેમના દ્વારા સુરત શહેરમાં આગામી તારીખ ૧૧ મે ના રોજ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે આહવાન કરવામાં આવ્યું છે.

સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં મતદાન દરમિયાન અને મત ગણતરી દરમિયાન ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના ઉમેદવારો અને તેમના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ હોય તેવા કેટલાક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે પરંતુ મત ગણતરીના દિવસે ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં ભાજપના ઉમેદવાર દિનેશ રાજપુરોહિતની જીત થયા બાદ તેમના કાર્યકરો ભાન ભૂલ્યા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં જ દિનેશ રાજપુરોહિત, મહેન્દ્રસિંહ રાજપુરોહિત, ગૌતમ રાજપુત સહીત તેમના અન્ય બેથી ત્રણ કાર્યકર્તાઓએ ભેગા મળી કોંગ્રેસના ઉમેદવાર ખુમાનસિંહ દર્જાવત પર હુમલો કર્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરી વચ્ચે જ તેમના વાળ ખેંચી તેમને માર માર્યો હતો. એટલું જ નહીં પરંતુ હિન્દુ સમાજની મહિલા દીકરીઓ વિશે પણ બિભસ્ત ભાષાનો પ્રયોગ કર્યો હતો. જેના ઘેરા પ્રત્યાઘાત રાજસ્થાની સમાજમાં પડ્યા છે.

છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયામાં રાજસ્થાની સમાજ દ્વારા દિનેશ રાજપુરોહિત અને તેમના માણસોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં આ વિરોધ હજુ પણ ઉગ્ર બને તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. રાજસ્થાનની ભવાની સેના પણ હવે આ માટે મેદાનમાં આવી છે. આગામી તારીખ ૧૧ મે ના રોજ ભવાની સેના દ્વારા સુરત શહેરમાં ભાજપના મુખ્ય કાર્યાલય પર ભેગા થઈ ઉગ્ર વિરોધ સાથે દિનેશ રાજપુરોહિત અને તેમના હુમલાખોર કાર્યકર્તાઓ સામે પગલાં લેવા માટે માંગ કરવામાં આવશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution