07, ઓગ્સ્ટ 2025
ભાવનગર |
3465 |
સિમેન્ટના બ્લોકના બે ઘા માથા પર મારી મોતને ઘાટ ઉતાર્યા
પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી
ભાવનગરના કરચલીયા પરા વિસ્તારમાં આજે સવારે એક હૃદયદ્રાવક ઘટના બની છે, જ્યાં દારૂ પીવા માટે રૂપિયા ન આપતા એક યુવકે 60 વર્ષના વૃદ્ધની હત્યા કરી નાખી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે.છનાભાઈ ગોરધનભાઈ ગોહેલ (ઉં.વ. 60), જે કરચલીયા પરા રૂખડીયા હનુમાન મંદિર નજીક રહેતા હતા. તેઓ મજૂરી કામ માટે સાયકલ પર જઈ રહ્યા હતા. ડેવિડ મનસુખભાઈ મકવાણા નામનો યુવક, જેણે છનાભાઈ પાસેથી દારૂ પીવા માટે ₹50 થી ₹100 માગ્યા હતા.છનાભાઈએ પૈસા આપવાની ના પાડતાં ડેવિડ ઉશ્કેરાઈ ગયો. તેણે છનાભાઈ પર સિમેન્ટના બ્લોકના બે ઘા માથા પર માર્યા. જ્યારે છનાભાઈ ભાગવા જતાં નીચે પડી ગયા, ત્યારે આરોપીએ તેમની છાતી પર બેસીને છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી. ઘટનાની જાણ થતાં જ DySP, LCB, અને ઘોઘા રોડ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.આ ઘટના અંગે સ્થાનિકોએ જણાવ્યું કે છનાભાઈ એક સીધા-સાદા અને વ્યસનમુક્ત વ્યક્તિ હતા, જેઓ મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.