વોશિંગ્ટન-

જ્યોર્જિયામાં બીજી વખત મત ગણતરી થઈ હતી. એમાં બિડેન સ્પષ્ટ રીતે વિજેતા બન્યા હતા. છેલ્લે ૧૯૯૨માં ડેમોક્રેટિક પાર્ટીને જ્યોર્જિયામાં વિજય મળ્યો હતો. એ વખતે ક્લિન્ટને વિજય મેળવ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પને જ્યોર્જિયામાં પણ પરાજયનો સામનો કરવો પડયો હતો. જો બિડેને જ્યોર્જિયા સ્ટેટ ૧૨૨૮૪ મતોથી જીત્યું હતું. બીજી વખત મત ગણતરી થઈ તે પહેલાં બિડેનને ૧૪ હજાર મતોની સરસાઈ હતી. બીજી વારની મત ગણતરી પછી સરસાઈ ઘટી હતી, પણ સ્પષ્ટ વિજય મળ્યો હતો. જ્યોર્જિયાની જીત પછી બિડેનના કુલ ઈલેક્ટોરલ વોટ ૩૦૬ થયા હતા. ટ્રમ્પે ૨૩૨ ઈલેક્ટોરલ વોટ મેળવ્યા હતા. 

એક તરફ બીજી વખતની મતગણતરી પછી પણ બિડેન બધા જ રાજ્યો સર કરી રહ્યા છે ને બીજી તરફ ટ્રમ્પની લીગલ ટીમે કોર્ટમાં અરજીઓ કરવાનું યથાવત રાખ્યું છે. પેન્સિલવેનિયા, મિશિગન, જ્યોર્જિયા સહિતના રાજ્યોમાં બીજી વખત ગણતરી થઈ તેને પણ ટ્રમ્પની ટીમે કોર્ટમાં પડકારી હતી. ટ્રમ્પની ટીમે આ ગણતરીમાં ગરબડ થયાનો દાવો કર્યો હતો. ટ્રમ્પના વકીલ રૃડી ગિલાનીએ મત ગણતરી અટકાવી દેવાની માગણી મૂકી હતી.